હવે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે!!

નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઝટકો લાગ્યા બાદ ભાજપ હવે ઝારખંડમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માગતી. જેથી પાર્ટી રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને લઈને સજાગ થઈ ગઈ છે. ચૂંટણી પંચે શુક્રવારે રાજ્યમાં 30 નવેમ્બરથી 5 તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે.

પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીથી ળઈને પ્રચાર ઝૂંબેશની રણનીતિમાં સાવધાની રાખી રહી છે. આ પહેલા વિપક્ષી દળોના નેતા ભાજપમાં જોડાતા પાર્ટીનું મનોબળ મજબૂત થયું છે. હરિયાણા અને મહારાષ્ટ્ર તરફથી પાર્ટીએ અનુમાન લગાવ્યું હતું કે, રાજ્યમા વિપક્ષ સંપૂર્ણ રીતે અસફળ છે. પાર્ટીને આશા હતી કે રઘુબર દાસ સરકારની લોકલોભામણી નીતિઓ અને લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતાનો ફાયદો પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં પણ થશે.

હરિયાણા અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોએ ભાપજને ફરી એક વખત તેની રણનીતિ પર વિચાર કરવા મજબૂર કરી છે. ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો માટે આ મહિનાના અંતથી 5 તબક્કામાં ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે, 2000માં અલગ રાજ્યનું ગઠન થયા બાદ ભાજપ એક વખત પણ પોતાના દમ પર બહુમતના આંકડા સુધી નથી પહોંચી શકી.

આ સ્થિતિમાં જો ભાજપને ઝારખંડમાં ફરી સત્તા વાપસી કરવી હોય તો પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવવું પડશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. અગાઉ લોકસભા ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી ભ્રમની સ્થિતિને કારણે મજબૂત વિપક્ષી ગઠબંધન આકર લઈ શક્યું નહતું.

વર્ષ 2014માં ભાજપે રાજ્યમાં 37 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ પાર્ટીએ ઓલ ઝારખંડ સ્ટુડેન્ટ્સ યૂનિયન (આજસૂ) સાથે મળીને સરકાર બનાવી હતી. આજસૂને 5 બેઠકો પર જીત મળી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં આ ગઠબંધને રાજ્યની 14માંથી 12 બેઠકો પર જીત હાંસલ કરી હતી. આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઓપી માથુરને ઝારખંડના ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]