લ્યો, મંત્રીજી બોલ્યાઃ બિહારની સ્થિતિ માટે ‘હાથિયા’ નક્ષત્ર જવાબદાર!!

પટના: બિહારના અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ છે. અહીં પડી રહેલા સતત વરસાદને પગલે સ્થતિ વધુ ખરાબ બની છે. સામાન્ય જનજીવન ખુબજ પ્રભાવિત થયું છે. અત્યાર સુધીમાં 41 લોકોના મોત નિપજ્યા છે તો 16 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, 11 હજાર લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડાયા છે. આ બધા વચ્ચે સીએમ નીતિશ કુમાર અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચોબેએ રાજ્યમાં પડી રહેલા સતત વરસાદ અને તેમની મચી રહેલી તબાહી માટે નક્ષત્રને જવાબદાર ગણવ્યું છે.

કેન્દ્રીય પ્રધાન અશ્વિનિ ચોબેએ કહ્યું કે, રાજ્યમાં ‘હાથિયા નક્ષત્ર’ને કારણે જોરદાર વરસાદ પડી રહ્યો છે.  હાથિયા નક્ષત્રમાં ઘણી વખત ભયંકર વરસાદ પડે છે. વરસાદે હવે પ્રાકૃતિક આપદાનું રૂપ લઈ લીધુ છે.

અશ્વિનિ ચૌબે એ કહ્યું કે, બિહારની ભાજપ-જદ(યુ) ગઠબંધન સરકાર, જિલ્લા વહીવટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ 24 કલાક રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે. બિહાર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. પૂરની સ્થિતિને કારણે રેલવે, આરોગ્ય સેવાઓ, સ્કુલ અને વીજળી સેવાઓ પ્રભાવિત થઈ છે. આ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાજ્યમાં પડી રહેલા વરસાદ અને તેનાથી થઈ રહેલા નુકસાન માટે હાથિયા નક્ષત્રને જ જવાબદાર ગણાવ્યુ હતું.