પુત્રવધૂ સામે રાબડીની વળતી ફરિયાદઃ મારા પર જીવલેણ હુમલો કર્યો

પટણાઃ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના પરિવારમાં અત્યારે મોટો ડખો ચાલી રહ્યો છે. લાલૂ યાદવની પુત્રવધૂ ઐશ્વર્યાએ પોતાના સાસરિયાઓ પર હેરાનગતિ કરવાનો આરોપ લગાવતા પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. હવે લાલૂ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીએ પોતાની પુત્રવધૂ ઐશ્વર્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. રાબડીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેમને તેમની પુત્રવધૂ પાસેથી જીવનું સંકટ છે. રાબડીએ પોતાની ફરિયાદમાં એપણ કહ્યું કે તેમની પુત્રવધૂએ તેમના પર ઓક્ટોબરમાં જીવલેણ હુમલો કર્યો હતો.

ઐશ્વર્યાએ પોતાના પતિ તેજ પ્રતાપ, પોતાના સાસુ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને નણંદ સહિત પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પટણામાં આવેલા રાબડી દેવીના ઘરની બહાર રવિવારના રોજ સાંજે ઐશ્વર્યાએ આરોપ લગાવ્યો કે રાબડી દેવીએ પોતાના મહિલા સુરક્ષા કર્મચારીઓ સાથે મળીને મારા વાળ ખેંચ્યા અને મારપીટ કરીને મને ઘરની બહાર કાઢી મુકી.

પોલીસ હજી તો આ મામલાની તપાસ જ કરાવી રહી હતી ત્યાં જ રાબડી દેવીએ પણ પોતાની પુત્રવધૂ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી દીધી છે. રાબડીદેવીએ સચિવાલય પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ કરી હતી. ફરિયાદની એક કોપી બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પણ આપવામાં આવી.

પોતાની ફરિયાદમાં રાબડીએ કહ્યું કે, જ્યારે હું પાર્ટી ધારાસભ્ય શક્તિ સિંહ યાદવ સાથે બેઠી હતી, ત્યારે અચાનક જ ઐશ્વર્યા મારી પાસે આવી અને મારા પર હુમલો કરી દીધો. ઐશ્વર્યાએ મને અપશબ્દો પણ કહ્યા. રાબડીએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તે કોઈપણ પ્રકારે રુમની બહાર ભાગવામાં સફળ રહી અને પોતાના બચાવ માટે જોર-શોરથી અવાજ કર્યો. રાબડીએ કહ્યું છે કે બાદમાં સુરક્ષા કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને મને બચાવી લીધી.

રાબડીએ કહ્યું કે, 10 ઓક્ટોબરના રોજ અમે સચિવાલય પોલીસ સ્ટેશનને આ વીડિયો ફૂટેજ પણ બતાવ્યા હતા. ત્યારબાદ ઐશ્વર્યાએ સંબંધિત પોલીસ અધિકારીઓ સામે પોતાનો ગુનો પણ સ્વીકાર્યો હતો. રાબડીએ કહ્યું કે આ મામલે ડીજીપી, એસએસપી અને સચિવાલય પોલીસ સ્ટેશનના એસએચઓને તે 23 જૂન 2019 અને 29 સપ્ટેમ્બર 2019 ના રોજ પુત્રવધૂ દ્વારા પોતાને હેરાન કરવાનો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવા મામલે જાણકારી આપી ચૂકી છે.

રાબડી દેવીની ફરિયાદ પર જ્યારે મહિલા પોલીસ સ્ટેશનના આરતી જયસ્વાલને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ વિચારાધીન છે. વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. બંન્નેની ફરિયાદો પર આગળની કાર્યવાહી મામલે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓની દેખરેખમાં મામલાની આગળની કાર્યવાહી કરવામાં આવશે.

લાલુ પ્રસાદ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યાએ 15 ડિસેમ્બરના રોજ રાબડી દેવી પર આરોપ લગાવ્યો હતો કે મારી સાસુએ પોતાના મહિલા સુરક્ષા કર્મચારીઓ સાથે મળીને મારી સાથે મારપીટ કરી છે તેમજ મારો મોબાઈલ પણ છીનવી લીધો છે. તેમણે દાવો કર્યો હતો કે ઘટનાના પૂરાવા મોબાઈલમાં હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]