IRCTCની નવી સુવિધા: ‘આધાર’થી એક મહિનામાં બુક કરી શકાશે 12 ટિકીટ

નવી દિલ્હી- જો તમારી પાસે આધાર કાર્ડ છે તો ભારતીય રેલવેમાં મુસાફરી કરવું તમારા માટે વધુ સરળ થઈ જશે. IRCTCએ રેલવે ટિકીટની બુકીંગ માટે આધાર વેરીફિકેશન કરાવવા પર 1 મહિનામાં 12 ટિકીટ બુક કરવાની છુટ આપી છે. જોકે ખાસ વાત એ છે કે, રેલવે ટિકીટ બુક કરાવવા માટે આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું નથી. પરંતુ આધાર વેરીફિકેશન કરાવ્યા બાદ ઓનલાઈટ ટિકીટ બુક કરાવવા માટે બુકીંગની વર્તમાન મર્યાદા 6થી વધારી દર મહિને 12 ટિકીટની કરવામાં આવી છે.

IRCTCએ ઓનલાઈન ટિકીટ બુકીંગ માટે પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. જે મુજબ 01 નવેમ્બર 2017થી IRCTCના પોર્ટલ ઉપર આધાર નંબર અપલોડ કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે. જેમાં દરેક એકાઉન્ટમાં પ્રત્યેક મહિને આધાર વેરીફિકેશન થયા બાદ વર્તમાન 6 ટિકીટની મર્યાદા વધારીને 12 કરવામાં આવી છે.

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ઓનલાઈન ટિકીટ માટે આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું નથી. આધાર કાર્ડની વિગતો આપ્યા વગર પણ યાત્રી એક મહિનામાં 6 ટિકીટ બુક કરી શકશે. જો એક મહિનામાં 6થી વધુ ટિકીટ બુક કરાવવી હશે તો પેસેન્જરનું આધાર કાર્ડ વેરીફિકેશન કરાવવું પડશે.