પીએમ મોદીના નિવાસ તરફ કૂચ કરનાર AAPના કાર્યકર્તાઓને પોલીસે અટકાવ્યા

નવી દિલ્હી – આમ આદમી પાર્ટીએ દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથે એના હાલ ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં એક કૂચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અત્રેના સત્તાવાર નિવાસસ્થાને કૂચ લઈ જવાનું નક્કી કર્યા બાદ દિલ્હી મેટ્રોએ દિલ્હીના હાર્દ વિસ્તારમાં આવેલા પાંચ સ્ટેશનોને બંધ રાખવાનું આજે નક્કી કર્યું હતું. AAPના કાર્યકર્તાઓએ મંડી હાઉસથી કૂચનો આરંભ કર્યો હતો, પણ તેઓ મોદીના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ સુધી પહોંચે એ પહેલા જ પોલીસે એમને પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે અટકાવી દીધા હતા. હજારો લોકો સાથેની કૂચમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો પણ જોડાયા હતા.

પોલીસે આપેલી સલાહને પગલે દિલ્હી મેટ્રો રેલ કોર્પ કંપનીએ પહેલા બપોરે 12 વાગ્યે લોક કલ્યાણ માર્ગ સ્ટેશનને બંધ કર્યું હતું. ત્યારબાદ બપોરે બે વાગ્યે સેન્ટ્રલ સેક્રેટરિએટ, ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને જનપથ સ્ટેશનોને પણ બંધ કરી દીધા હતા.

સેન્ટ્રલ સેક્રેટરિએટ સ્ટેશન ખાતે જોકે ઈન્ટરચેન્જ સેવા ચાલુ રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તથા એમના સાથી પ્રધાનો ગયા સોમવારથી દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલના સત્તાવાર નિવાસસ્થાન રાજ નિવાસ ખાતે ધરણા નાખીને પડ્યા છે. એમની માગણી છે કે અઘોષિત હડતાળ પર ઉતરી જનાક આઈએએસ અધિકારીઓને એમનું આંદોલન પાછું ખેંચવાનો બૈજલ આદેશ આપે.

બૈજલ તરફથી કોઈ પ્રતિસાદ મળતો ન હોવાને કારણે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી કે તે આજે સાંજે 4 વાગ્યે મંડી હાઉસથી મોદીના નિવાસસ્થાન, 7, લોક કલ્યાણ માર્ગ સુધી કૂચ લઈ જશે.

‘આપ’ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મંડી હાઉસ ખાતે ભેગા થયા હતા. દિલ્હી પોલીસે જોકે એમને આ કૂચ કાઢવાની પરવાનગી આપી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]