4 વર્ષમાં જમ્મુ-કશ્મીરમાં સેનાએ 838 આતંકીઓને ઠાર કર્યાં: ગૃહ રાજ્યપ્રધાન

શ્રીનગર- જમ્મુ-કશ્મીરમાં છેલ્લા 4 વર્ષમાં ભારતીય સેનાએ કુલ 838 આતંકવાદીઓના ઠાર કરી દીધાં છે. વર્ષ 2014થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધીમાં જમ્મુ-કશ્મીરમાં આતંકવાદીઓ સામે કરેલા ઓપરેશનમાં ભારતીય સેનાએ કુલ 838 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જેમાં કેટલાક ખુંખાર આતંકી કમાન્ડર અને મોસ્ટ વોન્ટેડ આતંકીઓનો પણ સમાવેશ થાય છે. જોકે આ આંકડામાં પાછલા વર્ષોમાં સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન ઓલ આઉટના મારેલા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

મંગળવારે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહીરે જમ્મુ કશ્મીરમાં આતંક વિરોધી ઝૂંબેશ સાથે જોડાયેલા કેટલાક આંકડાઓ રજૂ કર્યાં હતાં. તેમના જવાબમાં તેમણે કહ્યું કે, 2014થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધીમાં જમ્મુ કશ્મીરમાં કુલ 1213 આતંકી ઘટનાઓ થઈ હતી. આ ઘટનાઓમાં 838 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતાં. જોકે, આ ઘટનાઓમાં 183 નિર્દોષ નાગરિકોના પણ મોત થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં જમ્મુ કશ્મીરમાં ભારતીય સેનાએ છેલ્લા એક દાયકાની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જીઓસીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, કશ્મીર ઘાટીમાં 2018 દરમિયાન કુલ 311 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં. સુરક્ષા દળોની વચ્ચે યોગ્ય તાલમેલ અને ઓપરેશનની આઝાદી મળવાને કારણે જ આટલી મોટી સંખ્યામાં આતંકીઓનો ખાત્મો કરવામાં સફળતા મળી હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]