નોટબંધી બાદ બેરોજગારી દરે તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ…

નવી દિલ્હી: દેશમાં બેરોજગારીનો દર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સરકારના જ એક સર્વે પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 2017-18માં 6.1 ટકા સાથે 45 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. લોકસભા ચૂંટણીની જાહેરાત થવાને હવે થોડા દિવસો જ બચ્યા છે, અને 01 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ આંકડો મોદી સરકારનું ટેન્શન વધારે તેવો છે.

જુલાઈ 2017થી જુન 2018ના ગાળામાં નેશનલ સેમ્પલ સર્વે દ્વારા એકત્ર કરાયેલા આંકડાં અનુસાર દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા હતો. જે વર્ષ 1972-73 પછી સૌથી વધારે છે. બેરોજગારીની ચિંતાજનક સ્થિતિ દર્શાવતો આ સર્વે જાહેર કરવામાં સરકાર મોડું કરી રહી હોવાના આક્ષેપ સાથે નેશનલ સ્ટેટસ્ટિકલ કમિશનના બે સભ્યોએ રાજીનામું પણ આપી દીધું હતું.

સરકારે બેરોજગારીના આ આંકડા ડિસેમ્બરમાં જાહેર કરવાના હતા, પરંતુ કયા કારણોસર સરકારે આ આંકડા જાહેર કરવામાં વિલંબ કર્યો તે એક ચર્ચાનો વિષય છે.

નોટબંધી પછીનો આ પ્રથમ બેરોજગારીનો રિપોર્ટ જોહેર થયો છે. જાણકારોનું કહેવું છે કે, નોટબંધીને કારણે રોજગારી પર ઘણી હદ સુધી નકારાત્મક અસર પહોંચી છે. જેથી બેરોજગારી વધી છે. આ ઉપરાંત બેરોજગારી વધવાના અન્ય એક કારણમાં જીએસટી લાગૂ કરાયા બાદ તેમાં રહેલી ખામીઓને પણ જવાબદાર માનવામાં આવે છે.

આ રિપોર્ટ અનુસાર શહેરી વિસ્તારોમાં બેરોજગારી ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ ઘણી વધી છે. શહેરી વિસ્તારોમાં આ દર 7.8 ટકાએ પહોંચી ગયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તેનું પ્રમાણ 5.3 ટકા છે. 2016માં નોટબંધી લાગુ થયા બાદ લોકોની નોકરીઓ ગઈ હોવાના અનેક દાવા થયાં હતાં, તેવામાં આ સર્વેના આંકડા ખૂબ જ મહત્વના મનાઈ રહ્યા છે. જોકે, તેને સરકારે સત્તાવાર જાહેર નથી કર્યા.

દેશનું અર્થતંત્ર વાર્ષિક સાત ટકાના દરે વિકાસ સાધી રહ્યું છે, પરંતુ તેટલા પ્રમાણમાં નોકરીઓ નથી સર્જાઈ રહી. દેશમાં દર વર્ષે લાખો યુવાનો નોકરીની શોધમાં જોતરાય છે, પરંતુ તેમાંથી ઘણાને નોકરી મળતી નથી. બેરોજગારીનો મુદ્દો જ મોદી સરકારને આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ પડકાર આપે તેવી શક્યતા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષિત મહિલાઓનો બેરોજગારી દર 2017-18માં 17.3 ટકા રહ્યો છે. તેની સામે વર્ષ 2004-05માં આ આંકડો માત્ર 9.7 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષિત પુરૂષો મામલે આ આંકડો 2017-18માં 10.5 ટકા રહ્યો છે, જ્યારે વર્ષ 2004-05થી લઈને વર્ષ 2011-12 દરમિયાન આ દર 4.4 ટકાની વચ્ચે રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનું કહેવુ છે કે, તે 2019થી 2024 દરમિયાન સાત કરોડ રોજગારીના અવસરો પેદા કરી શકે છે, અને રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કન્ટેમ્પરરી સ્ટડિઝે એક રિપોર્ટમાં આ અંગેની આંકડાકીય માહિતી પણ રજૂ કરી હતી. આ રિપોર્ટ કોંગ્રેસને સોંપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]