આ પાકિસ્તાનીઓ ભારતમાં ખરીદી શકશે મિલકત, પેન-આધાર કાર્ડના પણ હકદાર

નવી દિલ્હી- નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2018માં 6092 પાકિસ્તાની લોકોને લોન્ગ ટર્મ વિઝા (LTV) આપ્યા હતા. વર્ષ 2011થી અત્યાર સુધીમાં આશરે ત્રીસ હજાર પાકિસ્તાની લોકોને લોન્ગ ટર્મ વિઝા (LTV) આપવામાં આવ્યા છે. આવા તમામ પાકિસ્તાની નાગરિકોને ભારતમાં મિલકત ખરીદવાનો તેમજ પેન કાર્ડ અને આધાર કાર્ડ્સ રાખવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે.આ પાકિસ્તાનીઓમાં મોટાભાગના હિન્દૂ લોકો છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દૂઓ સહિત અન્ય લઘુમતીઓની મદદ પર વિશેષ ભાર આપી રહી છે. ગૃહમંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ વર્ષ 2011થી 2014 વચ્ચે 14હજાર 726 પાકિસ્તાની નાગરિકોને લાંબા ગાળાના વિઝા આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ તમામ લોકોએ ઓફલાઈન અટલે કે, લેખિત અરજી કરી હતી. વર્ષ 2015થી LTV આપવાની પ્રક્રિયાની ઓનલાઈન શરુઆત કરવામાં આવી છે. ત્યારથી વર્ષ 2015માં 2142 પાકિસ્તાની નાગરિકો, વર્ષ 2016માં 2298 પાકિસ્તાની નાગરિકો અને વર્ષ 2017માં 4712 પાકિસ્તાની નાગરિકોને લાંબા ગાળાના વિઝા આપવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારની તાજેતરની નીતિ અનુસાર ભારતમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ (હિંદુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ભારતમાં તેમનાં પરિવારોની જરુરિયા અથવા રોજગારની જરુરિયાત મુજબ ઘર પણ ખરીદી શકે છે. તેમને પેન કાર્ડ, આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ઈશ્યૂ કરવામાં આવશે.

જોકે આ લોકો કેન્ટ વિસ્તાર અથવા અન્ય પ્રતિબંધિત વિસ્તારોમાં જમીન ખરીદ કરી શકશે નહીં. તેઓ જે રાજ્યમાં વસવાટ કરી રહ્યાં છે તેમાં સ્વતંત્રતાથી હરીફરી શકે છે. જોકે, અન્ય રાજ્યની યાત્રા દરમિયાન તેમણે પોતાની સાથે LTV પેપર રાખવા અનિવાર્ય છે. ગૃહમંત્રાલયના અહેવાલ મુજબ હજી 1500 પાકિસ્તાની નાગરિકોના LTV આવેદન પડતર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]