અયોધ્યામાં મૂકાનાર ભગવાન રામની સૂચિત મૂર્તિની પ્રાથમિક તસવીરની ઝલક રિલીઝ થઈ

લખનઉ – ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે અહીં એમની કેબિનેટ બેઠક યોજી હતી જેમાં ભગવાન રામની કાંસ્યની અને સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. રામની આ પ્રતિમા અયોધ્યામાં સરયૂ નદીના કિનારે ઈન્સ્ટોલ કરવાની આદિત્યનાથ સરકારે જાહેરાત કરી છે.

આ સૂચિત મૂર્તિની પ્રાથમિક તસવીરની ઝલક ઝી મિડિયાએ મેળવી છે.

તસવીર અનુસાર, રામની મૂર્તિ 221 મીટર ઊંચી હશે, જેમાં 50 મીટર પાયાનો ભાગ હશે. ભગવાન રામના હાથમાં તીર અને કામઠું બતાવાશે અને એમની પીઠ પાછળ તીરોનો ભાથો હશે.

અત્યારે વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ સરદાર પટેલની ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ થઈ છે. એની ઊંચાઈ 182 મીટર છે. આ મૂર્તિનું હાલમાં જ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા નદીના કાંઠે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે ઉત્તર પ્રદેશ સરકારની જાહેરાત બાદ વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ તરીકે ભગવાન રામની મૂર્તિ સરદાર પટેલની મૂર્તિનું સ્થાન લેશે.

50 મીટરના બેઝ ભાગમાં, એક મ્યુઝિયમ હશે જેમાં રામાયણ સાથે સંકળાયેલી ચીજવસ્તુઓ પ્રદર્શનાર્થે મૂકવામાં આવશે.

મ્યુઝિયમમાં અયોધ્યા નગરનો ઈતિહાસ પણ દર્શાવવામાં આવશે.

એમાં એક વિભાગમાં, ભગવાન વિષ્ણુના 10 અવતારની ઝાંખી પણ રજૂ કરવામાં આવશે.

રામની પ્રતિમાનું નિર્માણ 100 એકરની જમીન પર કરવામાં આવશે.

આ મહત્ત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે સરયૂ રીવરફ્રન્ટ પણ ડેવલપ કરવામાં આવશે.

ભગવાન રામની મૂર્તિને ઈન્સ્ટોલ કરવા માટે કાયદો ઘડવો પડશે અને એ વિશે ભવિષ્યમાં ચર્ચા કરવામાં આવશે, એવું આદિત્યનાથે અગાઉ કહ્યું છે. અયોધ્યાની જનતાની લાગણીને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવામાં આવશે. હિન્દુ સંતો અને સાધુ સંતો આ યોજનાને ટેકો આપી રહ્યા છે.

ભગવાન રામની 151-મીટર ઊંચી મૂર્તિને બનાવવા માટે પાંચ આર્કિટેક્ટ કંપનીઓ આદિત્યનાથ સમક્ષ પ્રેઝન્ટેશન બતાવી ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]