16 રાજ્યોમાં કોંગ્રેસ, તો 10 માં ભાજપ ખાતું ખોલવામાં નિષ્ફળ

નવી દિલ્હી– 23 મેના રોજ લોકસભા ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં ભાજપે 2014ની લોકસભા ચૂંટણીનું પોતાનું પ્રદર્શન યથાવત રાખ્યું છે એટલું જ નહીં, એની બેઠક સંખ્યામાં પણ વધારો થયો છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ અનુસાર કુલ 542 બેઠકોમાંથી ભાજપે 303 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 52 બેઠકો પર જીત મેળવી છે. આ સાથે જ ફરી એક વખત નરેન્દ્ર મોદી ઐતિહાસીક બહુમતી સાથે સરકાર બનાવતા જોવા મળી રહ્યાં છે.

રાજ્ય પ્રમાણે બેઠકો

કોંગ્રેસની જો વાત કરીએ તો કુલ 16 રાજ્યો એવા છે જેમાં કોંગ્રેસ ખાતુ પણ નથી ખોલાવી શકી, કોંગ્રેસને સૌથી વધુ 15 બેઠકો કર્ણાટકમાં મળી છે, જ્યારે પંજાબ અને તમિલનાડુમાં 8-8 બેઠકો મળી છે. તો બીજી તરફ 10 રાજ્યોમાં ભાજપ પણ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યું છે. ભાજપને સૌથી વધુ 62 બેઠકો ઉત્તર પ્રદેશમાં મળી છે, અને સૌથી ઓછી 1-1 બેઠકો મળી હોય તેવા ચાર રાજ્યો છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.

2014ની માફક આ વખતે પણ કોંગ્રેસ લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો મેળવી શકે એમ નથી કેમકે આ માટે કોંગ્રેસ ઓછામાં ઓછી 54 બેઠક મેળવવી પડે એમ છે. પરિણામો જાહેર થતાંની સાથે જ નવી દિલ્હીમાં નવી સરકાર રચવાની ગતીવીધિઓ શરુ થઈ ચૂકી છે. જેને લઈને આજે કેબિનેટની બેઠક મળી રહી છે. મહત્વનું છે કે, આગામી 30 મે ના રોજ નવી દિલ્હી ખાતે શપથ સમારોહ યોજાઇ શકે છે. શપથ લેતાં પહેલાં નરેન્દ્ર મોદી વારાણસી અને ગુજરાતની પણ મુલાકાત લે એવી ચર્ચા ચાલી રહી છે.