મુઝ્ફ્ફરપુર શેલ્ટરહોમ કેસમાં નવો ઘટસ્ફોટ: CBI ને 11 છોકરીઓના મોતની આશંકા

નવી દિલ્હી- બિહારના મુઝફ્ફરપુર શેલ્ટરહોમ કેસે પ્રશાસનના હોશ ઉડાવી દીધા છે.આ મામલે એક નવો ઘટસ્ફોટ થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ  વાતને લઈને આશંકા વ્યક્ત કરી છે કે, મુઝ્ફ્ફરપુર શેલ્ટર હોમ યૌન શૌષણ મામલે મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુર અને તેમના સાથીઓએ 11 છોકરીઓની કથિત રીતે હત્યા કરી દીધી હતી. સીબીઆઈ એ કોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, એક સ્મશાનઘાટમાંથી હાકકાંઓની પોટલી મળી આવી છે.

બ્રજેશ ઠાકુર

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામાં માં સીબીઆઈએ કહ્યું કે, તપાસ દરમિયાન નોંધેલા પીડિતોના નિવેદનમાં 11 છોકરીઓના નામ સામે આવ્યાં છે, જેની બ્રજેશ ઠાકુર અને તેમના સહયોગીઓએ કથિત રૂપે હત્યા કરી હતી. એજન્સીએ કહ્યું કે, એક આરોપીના કહેવા પર એક સ્મશાન ઘાટ પર ખોદકામ કરવામાં આવ્યું, જ્યાંથી હાડકાઓની પોટલી મળી આવી છે.

આ સમગ્ર ઘટનાને લઈને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે નીતિશ સરકાર પર નિશાન તાક્યુ છે. તેમણે કહ્યું કે, નીતિશ કુમારના નજીકના મનાતા બ્રજેશ ઠાકુરે સીએમના રક્ષણ હેઠળ 34 બાળકીઓ પર સત્તાધારી નેતાઓ દ્વારા સામુહિક બળાત્કાર ઉપરાંત 11 બાળકીઓને મારીને દાટી દીધી. હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર પણ ન કર્યા. જ્યારે અન્ય બાળકીઓ હજું પણ ગાયબ છે. નીતિશ સરકાર ખુલ્લી પડી ગઈ છે.

મહત્વનું છે કે, બિહારના મુઝફ્ફરપુરમાં એક એન્જીઓ દ્વારા સંચાલિત શેલ્ટર હોમની કેટલીક છોકરીઓનો કથિત રીતે બળાત્કાર અને યૌન શૌષણ કરવામાં આવ્યું હતું. ટાટા સામાજિક વિજ્ઞાન સંસ્થાનના રિપોર્ટ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને એજન્સીએ બ્રજેશ ઠાકુર સહિત 21 લાકો સામે આરોપનામું દાખલ કર્યું હતું.

આ મામલે સુપ્રીમના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ અને દિપક ગુપ્તાની ખંડપીઠે શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી. ખંડપીઠે કહ્યું કે, તે આવેદન પર સીબીઆઈને ઔપચારીક નોટિસ પાઠવશે અને એજન્સી ચાર સપ્તાહની અંદર આ મામલે જવાબ રજૂ કરશે. ખંડપીઠે સંક્ષિપ્ત દલિલો સાંભળ્યા બાદ આ મામલે આગામી સુનાવણી 6 મે ના રોજ હાથ ધરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]