કેદીઓને કાનૂની મદદ અને ડાયરી લખી જેલમાં સમય વિતાવે છે પી ચિદમ્બરમ

નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલાં પૂર્વ નાણાંપ્રધાન પી ચિદમ્બરમને જેલમાં સો દિવસથી વધુનો સમય થઈ ગયો છે.એક અંગ્રેજી અખબારે જેલ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે પી ચિદમ્બરમ જેલમાં પોતાનો સમય અખબારો વાંચીને, ડાયરી લખીને, સાથી કેદીઓને મફત કાનૂની સલાહ આપીને અને જેલ અધિકારીઓ તથા તામિલનાડુ પોલિસની એક ટીમ સાથે વાતો કરીને પસાર કરી રહ્યાં છે.

તામિલનાડુ પોલિસની એ ટીમ તિહાડ જેલની સિક્યૂરીટીની ઇન્ચાર્જ છે. જેલના એક વરિષ્ઠ અધિકારીના હવાલે જણાવાયું છે કે પી ચિદમ્બરમ જેલ અધિકારીઓ અને સ્ટાફ સાથે બેહદ વિનમ્ર વર્તાવ કરે છે. વાતચીત દરમિયાન તેઓ પોતાના કેસ સદર્ભે પણ વાત કરે છે અને બતાવે છે કે તેઓ કેવી રીતે મોદી સરકારના રાજનીતિક બદલાના શિકાર બન્યાં છે. ચિદમ્બરમને ભરોસો છે કે તેમને ન્યાય જરુર મળશે. કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની એક ભાગમભાગ ભર્યાં ઘટનાક્રમ બાદ સીબીઆઈએ 21 ઓગસ્ટે ધરપકડ કરી હતી અને તેમને 6 સપ્ટેમ્બરે જેલ મોકલવામાં આવ્યાં હતાં.

જેલ સૂત્રો પ્રમાણે તેમને જેલનંબર 7માં એક 15 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા સેલમાં એકલાં રાખવામાં આવ્યાં છે. તેમના સેલમાં ગાદલું, તકિયો, એક ટીવી અને પાશ્ચાત્ય ઢબનું ટોઇલેટ છે. અન્ય કેદીઓની જેમ તેમને પણ જેલની લાયબ્રેરી વાપરવાની છૂટ છે. ચિદમ્બરમ સવારે અને સાંજે ચાલવા જાય છે અને પોતાના સેલમાં ધ્યાન પણ લગાવે છે. તેઓ ચાલવા જાય છે ત્યારે ચારથી પાંચ પોલિસવાળા પણ સાથે હોય છે જે તેમની સુરક્ષાનું ધ્યાન રાખે છે.

ચિદમ્બરમને પીઠમાં દર્દ ઉપરાંત બીજી પણ કેટલીક બીમારીઓ છે જેનાથી તેમનું વજન ઘટી ગયું છે. શરુઆતમાં તેમને ઓશિકું અપાયું ન હતું જેનાથી તેમનું પીઠનું દર્દ વધી ગયું. ચિદમ્બરે કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ તેમને ખુરશી પણ આપવામાં આવી. શરુઆતમાં તેમને જેલનું ભોજન ખાવું પડ્યું પરંતુ હવે તેમને સ્વાસ્થ્યને લઇને ઘરનું ખાવાની પરવાનગી આપવામાં આવી છે.