વાવાઝોડું ‘તાઉ’તે’ મુંબઈને છોડીને ગુજરાત તરફ આગળ વધ્યું

મુંબઈઃ કેરળ, ગોવા અને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગીરી જિલ્લાઓમાં ગઈ કાલે ગભરાટ-નુકસાન ફેલાવ્યા બાદ અરબી સમુદ્ર પરના આકાશમાં સર્જાયેલું વિનાશકારી વાવાઝોડું ‘તાઉ’તે’ આજે વહેલી સવારે મુંબઈના કાંઠાની વધુ નજીકથી (120 કિ.મી.ના અંતરેથી) પસાર થયું. સવારે 9.30 વાગ્યાના સુમારે વાવાઝોડું મુંબઈને છોડીને ઉત્તર દિશા તરફ આગળ વધ્યું હતું. વાવાઝોડું નજીકથી પસાર થવાને કારણે મુંબઈ તથા પડોશના થાણે અને રાયગડ જિલ્લાઓમાં વહેલી સવારથી ધીમો વરસાદ પડ્યો હતો અને પવન પ્રતિ કલાક 18-20 કિ.મી.ની ઝડપે ફૂંકાતો હતો. મુંબઈ પર આ વાવાઝોડાનું જોખમ ઓછું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તે છતાં રાજ્ય સરકાર અને મુંબઈ મહાપાલિકાએ વાવાઝોડાનો સામનો કરવા માટેની તૈયારીઓ કરવામાં કોઈ કચાશ રાખી નથી. પવનની ગતિ પ્રતિ કલાક 60 કિ.મી. સુધી વધી શકે છે. મુંબઈ તથા આસપાસના વિસ્તારો માટે ‘ઓરેન્જ એલર્ટ’ ઘોષિત કરવામાં આવ્યું છે.

વાવાઝોડા સામે મહારાષ્ટ્ર સરકારની સજ્જતા વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની વિડિયો કોન્ફરન્સ બેઠકમાં જાણકારી આપી હતી. તમામ કાંઠાવિસ્તારોમાં તંત્ર તથા નાગરિકોને સાબદા કરી દેવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યા છે. ઠાકરેએ કહ્યું કે હોસ્પિટલોમાં વિદ્યુત તથા ઓક્સિજન પુરવઠો અખંડિત રહે એની પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બેક-અપ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દર્દીઓની સારવાર ચાલુ રહી શકે. આ વાવાઝોડું ગુુજરાત તરફ આગળ વધ્યું છે અને આવતીકાલે સવારે પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે એવી આગાહી છે.