હાઈસ્પીડ રાજધાની એક્સપ્રેસ દિલ્હી-મુંબઈને વધુ નજીક લાવશે, દિવાળી સુધીમાં નવી ટ્રેન શરુ

નવી દિલ્હી- ભારતીય રેલ વિભાગ દિલ્હી-મુંબઈ રુટ ઉપર આગામી કેટલાક મહિનામાં બિલકુલ નવી અને પહેલાથી વધુ સ્પીડ વાળી રાજધાની ટ્રેન શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવી રાજધાની ટ્રેનની સેવા દિવાળી સુધીમાં શરુ કરવામાં આવી શકે છે. આ ટ્રેન મુંબઈના બાંદ્રાથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલશે. આ ટ્રેન દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 13 કલાકમાં પુરું કરશે.

હાલમાં દિલ્હી-મુંબઈ વચ્ચે બે રાજધાની ટ્રેન ચાલે છે. અગસ્ત ક્રાંતિ રાજધાની બંને શહેરો વચ્ચેનું 1377 કિમીનું અંતર લગભગ 17 કલાક 5 મિનિટમાં પુરું કરે છે. આ ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.

જ્યારે મુંબઈ સેન્ટ્રલ અને નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ બંને શહેરો વચ્ચેનું આશરે 1386 કિમીનું અંતર લગભગ 15 કલાક 35 મિનિટમાં પુરું કરે છે. આ બંને ટ્રેન બાંદ્રા સ્ટેશન પર નથી રોકાતી.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નવી રાજધાની ટ્રેન માટે આગામી કેટલાક દિવસોમાં પરિક્ષણ શરુ કરવામાં આવશે. રેલવે વિભાગ હાલની રાજધાની ટ્રેનમાં 24 કોચનો ઉપયોગ કરે છે, જેને ઓછા કરીને પણ એ પ્રયોગ કરવામાં આવશે કે, મુસાફરીના સમયમાં કોઈ ઘટાડો કરી શકાય છે કે કેમ? મળતી માહિતી મુજબ રેલવે વિભાગ આગામી દિવસોમાં એન્જીન સહિત 15 કોચની નવી રાજધાની ટ્રેનનું પરિક્ષણ શરુ કરી શકે છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ નવી રાજધાની ટ્રેનમાં નવી ડિઝાઈનના કોચનો ઉપયોગ કરવાથી ટ્રેનની ગતિ 150 કિમી પ્રતિ કલાક સુધી વધારી શકાશે. આ સંજોગોમાં દિલ્હીથી મુંબઈ સુધીની યાત્રા 13 કલાકમાં પુરી કરી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]