સરકાર અને RBI રોકડની માગ પૂરી કરવા તમામ પગલાં ઉઠાવ્યાં છે

નવી દિલ્હી- દેશનાં કેટલાંક વિસ્તારોમાં રોકડની ખેંચ ઊભી થવાનાં અને થોડાં એટીએમમાં બિલકુલ રોકડ રકમ ન હોવાનાં અથવા એટીએમ કામ ન કરવા સાથે સંબંધિત અનેક અહેવાલો સામે આવ્યાં છે.છેલ્લાં ત્રણ મહિના દરમિયાન દેશમાં ચલણી નોટોની માંગમાં અસાધારણ રીતે વધારો થયો છે. વર્તમાન મહિના દરમિયાન ફક્ત પ્રથમ 13 દિવસમાં જ ચલણનાં પુરવઠામાં 45000 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને બિહાર જેવા દેશનાં કેટલાંક રાજ્યોમાં ચલણી નોટોની માંગમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે.

ભારત સરકારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) સાથે મળીને રોકડની અસાધારણ માંગ પૂર્ણ કરવા માટે શક્ય તમામ પગલાં લીધા છે. સરકારનું કહેવું છે કે, અમારી પાસે ચલણી નોટોનો પર્યાપ્ત પુરવઠો હતો, જેનો ઉપયોગ અત્યાર સુધી ઉત્પન્ન થયેલી સંપૂર્ણ અસાધારણ માંગ પૂર્ણ કરવા માટે થઈ ગયો છે. રોકડ રકમની કોઈ પણ માંગ પૂર્ણ કરવા માટે અમારી પાસે અત્યારે પણ તમામ મૂલ્યની શ્રેણીની ચલણી નોટોનો પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ છે, જેમાં 500, 200 અને 100 રૂપિયાની નોટો પણ સામેલ છે.

સરકાર તમામ લોકોને આશ્વાસન આપવા માંગે છે કે દેશમાં ચલણી નોટોનો પર્યાપ્ત ભંડોળ છે, જેનાં પગલે અત્યાર સુધી ઉત્પન્ન થયેલી તમામ માંગ પૂર્ણ કરવામાં આવી છે. સરકાર લોકોને આ ખાતરી આપવા ઇચ્છે છે કે આગામી દિવસો/મહિનાઓમાં રોકડ રકમની વધારે માંગ ઊભી થશે, તો એ સ્થિતીમાં પણ સરકાર પર્યાપ્ત ચલણી નોટોનો પુરવઠો પૂરો પાડશે.

સરકાર એ સુનિશ્ચિત કરવા શક્ય તમામ પગલાં ઉઠાવી રહી છે કે એટીએમમાં રોકડનો પુરવઠો સતત જળવાઈ રહે અને અત્યારે કામ ન કરતાં એટીએમની કામગીરી ઝડપથી સામાન્ય થઈ જાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]