ઝીનત અમાનની બળાત્કારની ફરિયાદઃ આરોપી બિઝનેસમેન છ-દિવસ પોલીસ રીમાન્ડ પર

મુંબઈ – બોલીવૂડનાં પીઢ અભિનેત્રી ઝીનત અમાને બળાત્કાર કર્યાની એક બિઝનેસમેન સામે ફરિયાદ નોંધાવ્યા બાદ મુંબઈ પોલીસે આરોપી સરફરાઝ મોહમ્મદ ઉર્ફે અમન ખન્નાની ધરપકડ કરી છે.

જુહૂ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 38-વર્ષીય સરફરાઝની ગઈ કાલે રાતે ધરપકડ કરી હતી અને આજે એને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે સરફરાઝને 28 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે.

ઝીનત અમાને પોતાની પર બળાત્કાર કરવા, છેતરપીંડી કરવા અને બનાવટ કરવાનો સરફરાઝ પર આરોપ મૂક્યો છે.

ઝીનત અમાનની ફરિયાદ મુજબ, 2011-2015ના સમયગાળા વચ્ચે આરોપી સરફરાઝે એની પાસે બિઝનેસના હેતુઓ માટે રૂ. 15.4 કરોડની કિંમતની રોકડ રકમ તથા ગોલ્ડ-સિલ્વરનાં ઝવેરાત લીધી હતું. ત્યારબાદ ઝીનતે વારંવાર વિનંતી કરી તે છતાં આરોપીએ એ સંપત્તિ પાછી આપવાનો ઈનકાર કર્યો હતો.

ત્યારબાદ આરોપીએ ઝીનતને એક સરકારી કોલોનીમાં ચાર ફ્લેટ અને સાંતાક્રૂઝમાં એક ફ્લેટ આપવાની ઓફર કરી હતી. એ માટે એણે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા અને ઝીનત સાથે છેતરપીંડી કરી હતી, એવું ઝીનતે પોતાની ફરિયાદમાં કહ્યું છે.

અહેવાલો અનુસાર, સરફરાઝે ઝીનત પર બળાત્કાર પણ કર્યો હતો અને એમનાં નિકાહના નકલી દસ્તાવેજો બનાવ્યા હતા અને એને ધમકી આપી હતી કે જો એ આ વિશે કોઈને કહેશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

પોલીસે હવે આરોપી સરફરાઝની ધરપકડ કરી છે અને એની સામે આઈપીસીની કલમો 376,420,406,465,467,468,469,471,506 હેઠળ ગુનો નોંધ્યો છે.

ઝીનતે ગઈ 30 જાન્યુઆરીએ સરફરાઝ વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ફરી ફરિયાદ કર્યા બાદ પોલીસે વિસ્તૃત તપાસ કર્યા બાદ સરફરાઝને આજે વર્સોવા વિસ્તારમાંથી પકડ્યો હતો.

મુંબઈ પોલીસના પ્રવક્તા દીપક દેવરાજે કહ્યું કે આ કેસને વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને સુપરત કરી દેવામાં આવ્યો છે.