જય શ્રીરામઃ 25 નવેંબરે અયોધ્યા જવાની ઉદ્ધવ ઠાકરેની ઘોષણા

મુંબઈ – શિવસેના પાર્ટીની વાર્ષિક દશેરા રેલીમાં આજે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ધારણા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને આકરાં વેણ સાથે ઘણું સંભળાવ્યું હતું.

દાદરના શિવાજી પાર્ક મેદાન ખાતે આયોજિત દશેરા રેલીમાં ઠાકરે રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ, પેટ્રોલ-ડિઝલના ભાવમાં આવેલો ઉછાળો, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારની કામગીરી અને અયોધ્યા રામ મંદિરના મુદ્દાઓ પર બોલ્યા હતા.

શિવાજી પાર્કમાં શિવસેનાની દશેરા રેલીનું આ બાવનમું વર્ષ છે.

ઠાકરેએ ભાજપને ટોણો મારતા કહ્યું કે દર વર્ષે રાવણ ઊભો થાય છે, પણ રામ મંદિર ઊભું થતું નથી.

આમ કહીને, ઠાકરેએ ઘોષણા કરી હતી કે હું આવતી 25 નવેંબરે અયોધ્યા જઈશ અને ત્યાંથી વડા પ્રધાન મોદીને સવાલ પૂછીશ કે રામ મંદિર હજી સુધી બંધાયું કેમ નથી? શું આ મુદ્દો પણ ભાજપનો કોઈ રાજકીય ‘જુમલો’ તો નથીને?

અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન પર રામ મંદિર બાંધવા માટે સરકાર કાયદો ઘડે, એવું કહીને ઉદ્ધવ ઠાકરેએ RSSના વડા મોહન ભાગવતે આજે સવારે નાગપુરમાં વિજયાદશમી કાર્યક્રમ વખતે કરેલા વિધાનને સમર્થન આપ્યું હતું.

ઠાકરે વડા પ્રધાન મોદી અને ભાજપપ્રમુખ અમિત શાહનું નામ લીધા વગર બોલ્યા હતા કે, ‘2014ની સાલમાં જે જુવાળ હતો એ હવે બદલાઈ ગયો છે.’