મુંબઈમાં ‘લેટલતીફ’ પાલિકા કર્મચારીઓ સામે હવે લેવાશે કડક પગલાં

મુંબઈ – મુંબઈ મહાનગરપાલિકાના વહીવટીતંત્રે કેટલાક ધરખમ પગલાં લીધાં છે. જેમ કે, પાલિકાના તમામ કર્મચારીઓનો પગાર આવતી 1 નવેંબરથી ‘બાયોમેટ્રિક’ હાજરી સાથે જોડી દેવામાં આવશે. એને કારણે ‘લેટલતીફ’ કર્મચારીઓનું આવી બનશે.

નવો નિયમ લાગુ થયા બાદ ઓફિસમાં કર્મચારીઓની હાજરી અનુસાર જ એમને વેતન આપવામાં આવશે. એક કલાક મોડા આવનાર કર્મચારીઓનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે.

મહાપાલિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ, પાલિકાના એક લાખ, દસ હજાર કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પદ્ધતિનું હવે સખ્તાઈપૂર્વક પાલન કરવામાં આવનાર છે. હોસ્પિટલ, પાણી વિતરણ, મળનિસારણ જેવા વિભાગોના કર્મચારીઓના કામકાજનો સમય અલગ અલગ હોય છે તેથી એની નોંધ પાલિકાના સોફ્ટવેરમાં લેવામાં આવતી નહોતી. પરિણામે હજારો કર્મચારીઓનો પગાર કાપી નાખવાથી બૂમરાણ મચી ગઈ હતી. તેથી કામદાર સંગઠનોએ બાયોમેટ્રિક હાજરી પદ્ધતિનો વિરોધ કર્યો હતો.

પરંતુ હવે સોફ્ટવેરનું કામ ઝડપથી પૂરું કરવામાં આવ્યું છે અને હવે તમામ કર્મચારીઓને બાયોમેટ્રિક હાજરી પદ્ધતિમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. પ્રત્યેક 20 કર્મચારીઓ દીઠ એક બાયોમેટ્રિક મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

બાયોમેટ્રિક હાજરી પદ્ધતિમાં, કર્મચારીઓને ઓફિસમાં અડધો કલાક મોડા આવવાની પરવાનગી આપવામાં આવી છે, પણ એનાથી જે કોઈ કર્મચારી મોડા આવશે એમનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે. જોકે તાકીદની કે કોઈ ગંભીર પ્રકારની પરિસ્થિતિમાં મહિનામાં એક વખત એક કલાક મોડા આવવાની પરવાનગી આપવામાં આવી છે.