વજુ કોટક: ‘ચિત્રલેખા-બીજ-જી’નાં સંસ્થાપક-તંત્રીનું ૫૮મી પુણ્યતિથિએ સ્મરણ

વજુ કોટકનાં ક્લિક… ક્લિક!

દક્ષિણ મુંબઈમાં જીપીઓ ખાતે ચિત્રલેખા કાર્યાલય નજીકનું દ્રશ્ય. બધા તાર પર કબૂતરો… ચાર દિવસ ધક્કા ખાધા પછી વજુભાઈની ઈચ્છા મુજબની તસવીર મળી..

મધુરી વજુ કોટકની બહેનોઃ હંસાબહેન અને સુમીબહેન…

પચાસના દાયકામાં મુંબઈની સ્ટ્રીટ લાઈટ બદલવા માટે બે ક્રેનનો ઉપયોગ થતો. વજુ કોટકે લીધેલી તસવીર.


અમારા કુટુંબના એક સભ્ય વજુભાઈ

(દિગ્દર્શક એન.આર. આચાર્યની કલમે..)

આચાર્ય આર્ટ પ્રોડક્શન્સના નેજા નીચે શ્રીસાઉન્ડ સ્ટુડિયોમાં ‘કુંવારા બાપ’ અને ‘ઉલ્ઝન’ નામનાં મારાં બે ચિત્રો તૈયાર થઈ રહ્યાં હતાં ત્યારે એ જ સ્ટુડિયોમાં શ્રી ચીમનભાઈ દેસાઈ એમનું ‘ખિલૌના’ ચિત્ર ઉતારી રહ્યા હતા. ‘ખિલૌના’ના કથાલેખક તરીકે મને કોટકનો પરિચય કરાવવામાં આવ્યો. પહેલી મુલાકાતમાં જ મેં એમને કહેલું: ‘ચિત્ર ઉદ્યોગને ભાવનાશાળી અને આદર્શવાદી કથાલેખકોની ખૂબ જરૂર છે. એ વાતને નજરમાં રાખીને કથા લખજો.’

અતિ નમ્રભાવે કોટકે જવાબ આપેલોઃ ‘સાહેબ, હું તો ફિલ્મ ઉદ્યોગમાં દિગ્દર્શક થવા માટે આવ્યો હતો પણ શ્રી ચીમનભાઈના આગ્રહને વશ થઈને કથાલેખક બની ગયો છું.’

ત્યાર પછી ‘ખિલૌના’ પૂરું થયું, મારાં બંને ચિત્રો પણ પૂરાં થઈ ગયાં અને મેં ‘આગેકદમ’નું સર્જન શરૂ કર્યું. કોટક અવારનવાર શૂટિંગમાં આવતાં. સાથે એમની વાંસળી હોય જ. વાર્તાના કોઈ પ્રસંગમાં અમે ગૂંચવાઈ જઈએ ત્યારે કોટક એવું સૂચન કરતા કે અમારો માર્ગ સરળ બની જતો. પરિણામ એ આવ્યું કે ત્યાર પછીના મારા નવા ચિત્ર માટે કથા લખવાનું કામ મેં એમને સોંપ્યું. નાના એવા એક પ્રસંગમાંથી કથાનો ઘાટ ઘડવાની એમની શક્તિ આશ્ચર્યમુગ્ધ કરે એવી હતી. શ્રી રવીન્દ્રનાથ ટાગોરના ‘શાંતિનિકેતન બ્રહ્મચર્ય આશ્રમ’માં શિક્ષકોને ચુસ્ત નિયમોનું પાલન કરવું પડતું. તેના પરથી વજુભાઈએ અર્થગંભીર હાસ્યરસના પ્રસંગો ગુંથી લઈને વાર્તા બનાવી અને શ્રી મહેશ કૌલના દિગ્દર્શન હેઠળ ‘પરિસ્તાન’ ચિત્ર તૈયાર થયું. મારા નમ્ર મત મુજબ ત્યાર પછીનાં આ સત્તર વર્ષ દરમિયાન મેં આવો સૂક્ષ્મ અને કટાક્ષયુક્ત હાસ્યરસ કોઈ ચિત્રમાં જોયો નથી.

ત્યારબાદ, ગંદી ચાલમાં રહેતા ભારતના ભાવિ નાગરિકોના જીવન પર વેધક પ્રકાશ પાડતા ચિત્ર ‘પરિવર્તન’ની કથા કોટકે લખી. આ ચિત્રમાં મોતીલાલ અને અંજલિદેવી સાથે રાજ કપૂરની પણ ભૂમિકા હતી. ખરું પૂછો તો વજુભાઈના આગ્રહને વશ થઈને જ મેં તેમાં રાજ કપૂરને ચાન્સ આપેલો અને એ રીતે ફિલ્મ ક્ષેત્રમાં રાજ કપૂરનો પ્રવેશ વજુભાઈને આભારી છે. પાછળથી રાજે ‘આવારા’ ચિત્ર ઉતાર્યું તેમાં પણ ‘પરિવર્તન’ની છાયા જોવા મળી છે.

એ પછી ૧૯૪૪માં અમારા ‘શતરંજ’ ચિત્રનું દિગ્દર્શન કોટકે કર્યું અને આ બધા સહવાસને કારણે એ ફક્ત મારી સંસ્થાના જ નહીં, મારા કુટુંબના પણ સભ્ય બની ગયા. સેટ પર સૌની સાથે હળીમળીને કામ કરે, હસે-હસાવે અને ચિત્રનિર્માણના વિભાગમાં દિલપૂર્વક મદદ કરે. કલાકારો પાસેથી હસતાં હસતાં કામ કઢાવવાની આવડત, માણસો સાથે વિનયભર્યું વર્તન અને કામ પ્રત્યેનો અખૂટ ઉત્સાહ એ બધાને લીધે એમણે સૌનાં દિલ જીતી લીધેલાં.

ત્યાર પછી નિર્માણક્ષેત્રે મારી પ્રવૃત્તિ થંભી ગઈ અને વજુભાઈએ પત્રકારક્ષેત્રે ઝડપથી આગેકૂચ કરી.

પરંતુ એમની એક ખાસ ઝંખના હતી કે નિર્માણક્ષેત્રે ફરી મારું કાર્ય ઝળકી ઊઠે, અને એ માટે વજુભાઈએ અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને તેમની નવલકથા ‘ઘરની શોભા’ પરથી ‘લગ્નમંડપ’ નામનું ગુજરાતી ચિત્ર ઉતારવામાં મદદ કરી. અરે, એમને હૃદયરોગનો હુમલો થયો તેના બે દિવસ પહેલાં જ મારા નવા ચિત્ર માટેની વાર્તાની ચર્ચા કરવા એ મારે ત્યાં આવેલા અને બે કલાક અમે બેઠેલા. એ વખતે શું ખબર કે અમારી એ છેલ્લી બેઠક હતી!

ફિલ્મ ‘પરિવર્તન’ના શૂટિંગ વખતે વાદ્યકાર ન આવ્યો ત્યારે વજુભાઈ (જમણેથી ત્રીજા) હાથમાં દિલરુબા લઈ, દાઢી-મૂછ લગાડી, માથે ટોપી પહેરીને બેસી ગયા