વજુ કોટક: ‘ચિત્રલેખા-બીજ-જી’નાં સંસ્થાપક-તંત્રીનું ૫૮મી પુણ્યતિથિએ સ્મરણ


અને આમ થયો હતો ‘ચિત્રલેખા’નો જન્મ…

યુવાન વયથી વજુ કોટકને ફિલ્મક્ષેત્રે કરિયર બનાવવાની અને દિગ્દર્શક બનવાની મહત્વાકાંક્ષા હતી. એમની આ પ્રબળ ઈચ્છા એમને ૨૧-૨૨ વરસે મુંબઈ લઈ આવી. મુંબઈમાં એક મિત્રની ઓળખાણને લઈને પ્રથમ પ્રયાસે જ વજુભાઈને ફિલ્મઉદ્યોગના એ સમયના વિદ્વાન દિગ્દર્શક રામચંદ્ર ઠાકુરના હાથ નીચે મદદનીશ તરીકે કામ કરવાનો મોકો મળ્યો. પાંચ-છ વરસ ફિલ્મઉદ્યોગ સાથે એક યા બીજી રીતે જોડાયેલા વજુ કોટક સંજોગોને આધીન પૂર્ણપણે લેખનક્ષેત્રમાં આવી ગયા અને પ્રથમ સંવાદલેખક પછી વાર્તાકાર, નવલકથાકાર, પત્રકાર-તંત્રી વજુ કોટકને કલમની સવારી ‘ચિત્રલેખા’ના માર્ગે સફળતાના શિખર સુધી લઈ ગઈ.

વજુભાઈએ લખેલી પટકથા પરથી બનેલી ફિલ્મો હતી – ખિલૌના, ભલાઈ, પરિસ્તાન. પણ સંજોગવશાત્ (ફિલ્મઉદ્યોગમાં હડતાળ પડતાં ફિલ્મનિર્માણનું કાર્ય અટકી પડતાં) એમણે પત્રકારત્વ અને લેખનક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ વખતે તેઓ ‘ચિત્રપટ’ મેગેઝિનમાં લેખ લખતા હતા. આગળ જતાં તેઓ ‘ચિત્રપટ’ના તંત્રી પણ બન્યા હતા. એમણે લખેલી નવલકથા ‘રમકડાં વહુ’ ‘ચિત્રપટ’માં શરૂ કરાઈ. લોકોએ ખૂબ વખાણી, ‘ચિત્રપટ’ લોકપ્રિય થવા લાગ્યું.

‘ચિત્રલેખા’ મેગેઝિન શરૂ થયું એના પ્રથમ અંકથી જ એમણે ‘સ્ટુડિયોમાં બેઠાં બેઠાં’ કોલમ શરૂ કરી હતી જેમાં શૂટિંગ રિપોર્ટ, ફિલ્મ મુહૂર્તની વાતોથી લઈને ફિલ્મી દુનિયાની અવનવી વાતો-ઘટનાઓને તેઓ પોતાની રમતિયાળ શૈલીમાં રજૂ કરતા.

વજુ કોટકના મોટા બનેવી વૃજલાલ રાડિયા વજુભાઈના લાગણીશીલ મિત્ર પણ હતા. ‘ચિત્રલેખા’ શરૂ કરવામાં ડી.વી. ઈન્ડસ્ટ્રીના માલિક વૃજલાલનું પ્રોત્સાહન અને પીઠબળ જબ્બર હતું.

વૃજલાલ રાડિયાનાં શબ્દોમાં વાંચો: 

‘જીવનની નૌકા કોઈ ચોક્કસ દિશાની ગણતરી વિના મધદરિયે આગળ વધતી હતી ત્યાં અચાનક વજુભાઈની પ્રવૃત્તિમાં પલટો આવ્યો.

એ સમયે ફિલ્મનિર્માણ ક્ષેત્રમાં ‘સાગર કંપની’વાળા ચીમનભાઈ દેસાઈનું નામ સારી રીતે ગાજતું થયેલું. એમના પુત્ર મધુકરને વજુભાઈ સાથે સારી દોસ્તી. બન્ને અવારનવાર મળે, ફિલ્મલાઈન વિશે વાતો થાય. વજુભાઈના સ્વભાવની પહેલેથી એક ખાસિયત કે બીજાની ઓળખાણનો લાભ લઈને ક્યાંય ઘૂસી જવાની વાત નહીં. એવામાં બન્યું એવું કે મધુકર માંદગીમાં પટકાઈ પડ્યો. મિત્રની સારવારમાં વજુભાઈ ચાર દિવસ ‘હરકિસનદાસ હૉસ્પિટલ’માં ખડે પગે રહ્યા. ચીમનભાઈ દેસાઈને મહત્ત્વાકાંક્ષાથી થનગનતા આ યુવાનનો પરિચય મળ્યો. દેસાઈએ વજુભાઈને અવારનવાર સ્ટુડિયોમાં આવતા રહેવાનું કહ્યું. આમ ફિલ્મક્ષેત્રમાં કોટકનાં પગલાં મંડાયાં અને ધીમી ગતિએ ચાલવાનું એમને કદી પસંદ ન હતું. વજુભાઈએ ટૂંક સમયમાં જ એક સારા ચિત્રકથાકાર તરીકે નામના પ્રાપ્ત કરી લીધી, પરંતુ આ સિદ્ધિ પાછળ એમણે જે અથાગ શ્રમ લીધો છે એનો હું સાક્ષી છું. સ્ટુડિયોમાં જ નહીં, ઘેર આવીને પણ એ કથાના ઘાટ ઘડતા. અમને પટકથા અને સંવાદી રચના સંભળાવતા.

વજુભાઈની ફિલ્મક્ષેત્રની લેખક-દિગ્દર્શક તરીકેની કારકિર્દી હવે નિશ્ચિત થઈ ચૂકી છે એમ અમે સૌ માનવા લાગ્યા. ત્યાં અચાનક એમની જીવન નૌકાનું સુકાન બદલાયું. ‘ચિત્રપટ’ નામના સિનેસાપ્તાહિક દ્વારા વજુભાઈએ પત્રકારક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ટૂંક સમયમાં જ એ તંત્રી-લેખક અને પત્રકાર તરીકે લોકપ્રિય થઈ પડ્યા. એમની લોકપ્રિયતા કેવી અજબ હતી એની ખરી જાણ તો જ્યારે એમને ઉગ્ર મતભેદને કારણે ‘ચિત્રપટ’ છોડવું પડ્યું ત્યારે જ સૌને થઈ. કલમ વડે વજુભાઈએ હજારો વાંચકોને પોતાના કરી લીધા હતા. જેવી એમની ‘ચિત્રપટ’ની અધૂરી ચાલુ નવલકથા ‘જુવાન હૈયાં,’ ‘છાયા’ સાપ્તાહિકમાં ચાલુ થઈ કે એ પત્રનો ફેલાવો એક જ અઠવાડિયામાં બે હજારમાંથી દસ હજારે પહોંચી ગયો! ગુજરાતી પત્રકારક્ષેત્રે આવો વિક્રમ અગાઉ નોંધાયો હોય એ મારા ખયાલમાં તો નથી. મારા મન પર આની બહુ અસર થઈ. મેં એમને સ્વતંત્ર સાપ્તાહિક શરૂ કરવા સમજાવ્યું. ‘તમને તમારી કલમની તાકાતનો ખયાલ નથી, પણ લોકોને તમારી કેટલી ચાહના છે એ ‘છાયા’નો ફેલાવો કહી આપે છે.’ આ રીતે સતત એક મહિનાની સમજાવટ પછી આખરે વજુભાઈ સાપ્તાહિક પ્રગટ કરવા તૈયાર થયા.

પહેલો પ્રશ્ન અમારા સમક્ષ એ આવ્યો કે નામ શું રાખવું? શબ્દકોશ લઈને અમે બેઠા, બે રાતના ઉજાગરા પછી ‘ચિત્રલેખા’ નામ પસંદ કર્યું. એ વખતે વજુભાઈએ કહેલું: ‘ચિત્રલેખા એટલે બ્રહ્માની દેવી, વિધાતા, જે માનવના લલાટે લેખો લખે છે અને આપણે પણ આ સાપ્તાહિકમાં ભાવિ પ્રજા માટે લેખો લખવાના છે.’

નવા સાપ્તાહિકની જાહેરાત થતાં જ કોટકની કલમના ચાહકો આનંદથી નાચી ઊઠ્યા. પરિણામે ૧૦,૧૦૧ નકલના ફેલાવાથી ‘ચિત્રલેખા’નું પ્રયાણ થયું. ૧૯૫૦ની એ સાલ! અને ત્યાર પછી વજુભાઈએ દસ વર્ષમાં પત્રકારક્ષેત્રે કેવી સિદ્ધિ અને પ્રગતિ સાધી છે એના આપણે સૌ સાક્ષી છીએ.

અંતમાં મારે એટલું જ કહેવું છે કે જીવનમાં એણે કદી પૈસાનો લોભ કર્યો નથી, સ્નેહની કરકસર કરી નથી. હંમેશ બીજાને કંઈક આપીને સંતોષ અનુભવ્યો છે. પોતાની પાસે ન હોય તો બીજા પાસેથી લઈ આવીને પણ એ મિત્રની જરૂરિયાત પૂરી પાડતા.

મારી સાથેનો એમનો બાવીસ વર્ષનો સથવારો! શું યાદ કરવું અને શું નહીં? એ બધું એમની સ્મૃતિ રૂપે હૃદયમાં જડાઈ ગયું છે.

 


વજુભાઈ – એક ઝિંદાદિલ કલમકાર

‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી ‘જી’ના જન્મદાતા વજુભાઈને એમના અતિ નિકટના મિત્રોમાંના એક અને પ્રખર પત્રકાર હરિશ એસ. બૂચ દ્વારા ખાસ લેખ દ્વારા શબ્દાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ૧૯૮૩માં ‘જી’ના રજત જયંતી અંકમાં પ્રગટ થયેલા લેખની વિગત અહીં પ્રસ્તુત છેઃ

વજુ કોટક અને હરિશ એસ. બૂચ

ફ્રેન્ચ ફિલસૂફ મોન્ટેગને એક નિબંધમાં લખ્યું છે: ‘બુદ્ધિશાળી પુરુષની નિશાની તેનો આનંદી સ્વભાવ છે.’ વજુભાઈનો મિજાજ આ વ્યાખ્યાના ઉદાહરણરૂપ હતો. રમૂજના ડોઝ સિવાયના વજુભાઈની કલ્પના જ થઈ શકતી નથી. છતાં એમની રમૂજ પાછળ પણ આપણને તત્વજ્ઞાનની કોઈ ગહન સુવાસ માણવા મળતી.

વજુભાઈની કારકિર્દી પણ એક રોમાંચક કથા જેવી છે: રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ પછી ભાવનગરની સનાતન હાઈસ્કૂલ અને શામળદાસ કોલેજમાં તેમનો અભ્યાસ. બહુ નાની વયે લેખનકાર્ય આરંભી દીધું હતું. આ યુવાનની નવલકથાઓ લખવી જોઈએ.

એ સમયમાં જ બીજો એક નાનકડો છતાં વજુભાઈનાં જીવનમાં મહત્વનો ભાગ ભજવી જનાર બનાવ બન્યો. એમના મિત્ર કાપડિયાએ એક નવી ઈન્ડિપેન વજુભાઈને વાપરવા આપતાં કહ્યું: ‘જુઓ જોઈએ, આ પેન કેવી ચાલે છે? શાહીનો પ્રવાહ બરાબર આવે છે કે નહીં?’

પેન મૂકીને શ્રી કાપડિયા તો ચાલ્યા ગયા, પણ પેન કેવીક ચાલે છે એ અજમાવવા માટે વજુભાઈએ એ જ વખતે ત્યાં પડેલા કાગળ પર લખવા માંડ્યું. શાહીનો પ્રવાહ જોવા જતાં વજુભાઈ જુદા જ પ્રવાહમાં તણાઈ ગયા. ખ્યાલ ન રહ્યો કે એક નવલકથા લખવા માંડી હતી, જે ભવિષ્યમાં ‘રમકડા વહુ’ નામથી લોકપ્રિય નીવડવાની હતી.

પૂરી નવલકથા લખાયા પછી તેની હસ્તલિખિત નકલ ઘણાના હાથમાં ફરતી રહી છતાં એની આવરદા મોટી હશે એટલે ક્યાંય ખોવાઈ નહીં!

ફિલ્મજગતના મિત્રો સાથેઃ  અશોકકુમાર,  વસંત જોગલેકર, વજુભાઈ

આચાર્ય આર્ટ પ્રોડક્શન્સનું ફિલ્મ-નિર્માણનું કામ ત્યારે ધગશ અને દ્રષ્ટિકોણ અનોખાં હતાં.

૧૯૩૦માં ગાંધીજીની અસહકારની હાકલના જવાબમાં ૧૫ વર્ષની વયે વજુભાઈ વિરમગામના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા ઘરેથી ભાગી નીકળ્યા. તે પછી ફિલ્મ ઉદ્યોગમાં ઝૂકાવવા વજુભાઈ મુંબઈ આવી પહોંચ્યા.

ફિલ્મ માટે એમની વાર્તાઓ પસંદગી પામવા લાગી અને વાર્તા પરથી તૈયાર થયેલી ફિલ્મ સફળતા પણ પ્રાપ્ત કરવા લાગી. ખિલૌના, પરિસ્તાન, ભલાઈ અને પરિવર્તન જેવાં હિન્દી ચિત્રોમાં વજુભાઈની કથા પ્રેક્ષકોને આકર્ષી ગઈ અને મંગળફેરા, નણંદ ભોજાઈ, ગોરખધંધા, લગ્નમંડપ વગેરે ગુજરાતી ચિત્રો માટે તેમણે લખેલા સંવાદો ખૂબ લોકપ્રિયતા મેળવી ગયા.

વજુભાઈએ સાગર, નેશનલ સ્ટુડિયો, આચાર્ય આર્ટ પ્રોડક્શન્સ અને જનક પિક્ચર્સ જેવી ફિલ્મ કંપનીઓ માટે મદદનીશ દિગ્દર્શકનું કામ પણ સફળતાપૂર્વક કર્યું.

મુંબઈમાં પોતાની કારકિર્દી માટે વજુભાઈએ ફિલ્મક્ષેત્ર પર પસંદગી ઉતારી હતી. લેખન એ તો એમના શોખનો વિષય હતો. વ્યવસાય તરીકે તો ફિલ્મ-દિગ્દર્શન અપનાવવાની એમની નેમ હતી. પણ જીવનમાં ઘણીવાર એવું બને છે કે જેની ઈચ્છા ન હોય તે સામે દોડી આવે. વજુભાઈની કારકિર્દીને નવો વળાંક આપનારો એક ઐતિહાસિક પ્રસંગ આકાર લેવા માંડ્યો.

એન.આર. આચાર્યના મદદનીશ-દિગ્દર્શક તરીકે કામ કરતાં વજુભાઈએ પરિસ્તાન ચિત્રની કથા લખી હતી. આ ફિલ્મ-કથાની વસ્તુ અને ગૂંથણી જોઈને ગુજરાતનાં મહાન નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ એવા ખુશ થઈ ગયેલા કે મુંબઈમાં વજુભાઈને મળ્યા ત્યારે એમણે આગ્રહ કર્યો કે તમારે તો દિગ્દર્શન શિખવાને બદલે થંભી ગયેલું એટલે થોડા વખત માટે વજુભાઈને સિને-સાપ્તાહિક ચિત્રપટનું તંત્રીપદ સ્વીકારવું પડ્યું. એમને તો ફિલ્મ-દિગ્દર્શક બનવું હતું, તંત્રી થવાની ઈચ્છા ન હતી, પણ સાપ્તાહિકના એક સંચાલકે આગ્રહ કર્યો: ‘તંત્રી તરીકે તમારું નામ ભલે રહ્યું, કાર્યાલયમાં આખો દિવસ (આઠ કલાક) હાજરી આપવાની જરૂર નથી. હમણાં તમારે થોડું વધારે લખવાનું રહેશે એટલું જ. ફિલ્મ સ્ટુડિયોનું અટકી ગયેલું કામ પાછું શરૂ થાય એટલે તમે આ કામ પડતું મૂકજો.’

પણ ત્યાર પછી ફિલ્મ સ્ટુડિયોનું કામ શરૂ થયું નહીં અને વજુભાઈનું લેખનકાર્ય વધતું ગયું…! એક દિવસ વજુભાઈ ‘ચિત્રપટ’ કાર્યાલયમાં બેઠા હતા ત્યાં એક મિત્ર પેલી નવલકથાની હસ્તપ્રત પાછી આપવા આવી ચડ્યા. એ જોઈને સાપ્તાહિકના સંચાલકે વજુભાઈને પૂછ્યું,: ‘આ શું છે?’

‘કાંઈ નહીં, જરા ગમ્મત ખાતર નવલકથા લખી નાખેલી.’

‘ક્યારે લખી નાખી?’

‘ઘણો વખત થઈ ગયો. હવે તો એ હસ્તપ્રત ફાટી જવાની અણી પર છે.’

સંચાલકે પુસ્તક જોવા લીધું, વાંચવા લઈ ગયા અને બે દિવસ પછી પાછું લાવ્યા ત્યારે કહ્યું,: ‘આ કથા આપણા સાપ્તાહિકમાં શરૂ કરીએ. આટલું સરસ લખ્યું છે તો બોલતા કેમ નથી?’

– અને એ નવલકથા એ સાપ્તાહિકમાં ક્રમવાર શરૂ થઈ. નવલનું નામ રમકડા વહુ પણ એ અઠવાડિકના સંચાલકે જ શોધી કાઢ્યું. વાંચકોને આ કથા ખૂબ ગમવા લાગી અને સાપ્તાહિક વધુ લોકપ્રિય થવા લાગ્યું.

નવલકથાનાં ક્ષેત્રમાં વજુભાઈએ કેવી રીતે પ્રવેશ કર્યો તેનો આ રમકડાં જેવો ઈતિહાસ છે. મહાન ઈતિહાસની આ હતી નાનકડી શરૂઆત. જે ક્ષેત્રમાં કોઈએ ધારી નહોતી એવી સફળતા વજુભાઈને સાંપડી. આજે તો એક નહીં, પણ વજુભાઈની આવી અનેક નવલકથા વધુ ને વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહી છે, તેની નવી આવૃત્તિઓ પ્રગટ થતી જ રહે છે. પ્રભાતનાં પુષ્પો શિર્ષક હેઠળ લખાયેલી તત્વજ્ઞાનની ચિંતનાત્મક રત્નકણિકાઓ ઘેર-ઘેર વંચાય છે.

સિને-સાપ્તાહિકમાં વજુભાઈની કલમે વાંચકોનો એક વિશાળ વર્ગ રચ્યો. એનાથી પ્રેરાઈને વજુભાઈએ પોતાનું સાપ્તાહિક ચિત્રલેખા અને ત્યારપછી બીજ તથા જી માસિકો એક પછી એક સ્થાપ્યાં. ચિત્રલેખા સાપ્તાહિકનો જન્મ ૧૦,૧૦૧ નકલના ફેલાવા સાથે ૨૨ એપ્રિલ, ૧૯૫૦ના દિવસે થયો. બીજ માસિક તો એમણે કોઈ પણ જાહેરખબર લીધા વિના ચલાવ્યું હતું. ફક્ત ફેલાવા પર જ માસિક ચલાવવાનો વજુભાઈને આત્મવિશ્વાસ હતો. એ કહેતા: ‘વાંચકો જ મારા સાચા પેટ્રન છે.’

એમની કલમ ક્ષિતિજની પેલે પાર પહોંચી જતી. કોઈ અમુક ચોક્કસ વિષય પર જ નહીં, અનેક વિવિધ વિષય પર એમનું પ્રભુત્વ હતું. પછી એ પ્રાચીન પુરાણ હોય કે અર્વાચીન વિજ્ઞાન. એક વિષય હાથમાં લે તો એનાં દરેક પાસાનાં ઊંડાણ સુધી એ પહોંચી જતા. એમના લેખનો વિષય આયુર્વેદ, કેમેરા કે ફાઉન્ટનપેન પણ હોય!

એસ્ટ્રોલોજીથી ઝૂઓલોજી અને મહાત્મા ગાંધીથી મેરલીન મનરો સુધી બધા વિષય પર એમની કલમે વિપુલ સર્જન કર્યું.

‘કોઈ એક લેખક માટે હાથમાં કલમ સાથે આખરી શ્વાસ લેવા એના જેવું સદ્દભાગ્ય શું હોઈ શકે?’ વજુભાઈ આમ કહેતા… અને કોને ખબર હતી કે એ શબ્દો એમણે પોતાને માટે જ ઉચ્ચાર્યા હશે? કોને ખબર હતી કે કારકિર્દીની ટોચે પહોંચ્યા ત્યારે જ જીવન-કથાનું ઉજ્જવળ પ્રકરણ પોતે સંકેલી લેશે?

વિજયગુપ્ત મૌર્ય, હરકિસન મહેતા, વજુ કોટક, હરિશ એસ. બૂચ

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]