ઈંધણના ભાવવધારાના વિરોધમાં મુંબઈ કોંગ્રેસ દ્વારા બીજી જૂને ‘ટ્વીટ મોરચા’

મુંબઈ – 16 દિવસ બાદ ઈંધણના ભાવવધારામાં માત્ર એક પૈસાનો ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વિરોધ પક્ષ કોંગ્રેસે આજે વખોડી કાઢ્યો છે અને તેનું મુંબઈ એકમ બીજી જૂને પોતાનો આક્રોશ વ્યક્ત કરવા સોશિયલ મિડિયા પર ઝુંબેશ શરૂ કરશે.

આ ઓનલાઈન ઝુંબેશને મુંબઈ કોંગ્રેસે ટ્વીટ મોરચા નામ આપ્યું છે. કોંગ્રેસ પાર્ટી એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઈંધણના ભાવવધારા મુદ્દે ટ્વીટ્સ પોસ્ટ કરવા સમજાવશે. સાથોસાથ ઈંધણના ભાવ ઘટાડવા માટેના રસ્તાઓ સૂચવવા પણ કહેશે.

મુંબઈ કોંગ્રેસના વડા સંજય નિરુપમે જણાવ્યું છે કે, આ ઝુંબેશનો હેતુ સોશિયલ મિડિયા પર જે લોકો સક્રિય છે એમને એકત્ર કરી ઈંધણના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર તથા મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવાનો છે.

નિરુપમે કહ્યું કે, પેટ્રોલ-ડિઝલના ભાવ છેલ્લા 16 દિવસોથી સતત વધતા રહ્યા છે. આજે આ બંનેના ભાવમાં 1 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ તો એક ક્રૂરતાભરી મજાક કહેવાય. અમે આને વખોડી કાઢીએ છીએ.

બીજી જૂને નિરુપમ તથા લેખિકા સુચેતા દલાલ સહિત અગ્રગણ્ય ટ્વિટર યૂઝર્સ દક્ષિણ મુંબઈમાં મુંબઈ મરાઠી પત્રકાર સંઘના કાર્યાલયમાં એકત્ર થશે અને સાથે મળીને મોદી તથા ફડણવીસને ટ્વીટ્સ કરશે અને પેટ્રોલ, ડિઝલના ભાવ ઘટાડવા માટે એમને જણાવશે.

નિરુપમનો દાવો છે કે છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી 211 ટકા જેટલી વધારી છે તો ડિઝલ પરની ડ્યૂટી 400 ટકા વધારી છે. અમે ટ્વીટ્સ કરીને સરકારને સૂચન કરીશું કે ઈંધણના ભાવ કેવી રીતે ઘટાડી શકાય. મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પર લીટર દીઠ 40 ટકા વેલ્યૂ એડેડ ટેક્સ લે છે. અમે આ વેટ ઘટાડવાનું ફડણવીસને કહીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]