બુલેટ-ટ્રેન રૂટ માટે જમીન આપવાનો થાણે-મહાપાલિકાનો ઈનકાર

થાણેઃ મુંબઈ અમદાવાદ વચ્ચેના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થાણે જિલ્લામાં 2,000 હેક્ટર જમીન વળતર સ્વરૂપે આપવાના પ્રસ્તાવને થાણે મહાનગરપાલિકાએ નકારી કાઢ્યો છે. મહાપાલિકામાં શિવસેનાનું શાસન છે. આ પ્રસ્તાવ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવ્યો હતો. તેના પર બુધવારે થાણે મહાપાલિકામાં ચર્ચા કરવામાં આવી હતી અને પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો. ભાજપના નેતા સંજય વાઘુળેના જણાવ્યા મુજબ, થાણેના મેયર નરેશ મ્હાસ્કેએ પ્રસ્તાવને તત્કાળ નકારી કાઢવાનો આદેશ આપ્યો હતો. મેયર મ્હાસ્કેનું કહેવું છે કે નિર્ણયને ભાજપ સહિત તમામ પક્ષોના સભ્યોએ ટેકો આપ્યો હતો. અમે એટલા માટે પ્રસ્તાવ નકારી કાઢ્યો છે કે અમે સાવ પાણીના ભાવે થાણે જિલ્લાની જમીન આપવા માગતા નથી. અમે થાણે જિલ્લાની જનતાના હિતમાં આ નિર્ણય લીધો છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થાણે જિલ્લામાંથી પસાર થતા રૂટ પર થાણે-દીવા વચ્ચે મ્હાતાર્ડી વિસ્તારમાં સ્ટેશન બનાવવા માટે જમીન આપવાનો પ્રસ્તાવ હતો. મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)થી રવાના થનારી મેટ્રો ટ્રેનનો રૂટ નવી મુંબઈના મહાપે-આડીવલી ભુતવલી વિસ્તારમાંથી આગળ વધીને શીળ, ડાયઘર, મ્હાતાર્ડી થઈને પાલઘર જિલ્લાની દિશામાં જાય એવો પ્રસ્તાવ છે. મુંબઈ પછી બુલેટ ટ્રેનનું બીજું સ્ટોપ-સ્ટેશન મ્હાતાર્ડી રાખવાનું નક્કી કરાયું છે અને એ સ્ટેશનને નામ ‘થાણે’ આપવાનું છે. એ માટે મ્હાતાર્ડી સહિત અનેક ગામોની જમીન આપવી પડે એમ છે. આ વિસ્તાર થાણે મહાનગરપાલિકાના અધિકારક્ષેત્રમાં આવતો હોવાથી તે માટેનો નિર્ણય થાણે મહાપાલિકાએ લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]