એર ઈન્ડિયાની મુંબઈ-દુબઈ ફ્લાઈટ બગડી; પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર 10 કલાક અટવાયા

મુંબઈ – એર ઈન્ડિયાની મુંબઈ-દુબઈ ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર ગઈ કાલે રાતે ઉપડી શકી નહોતી. એ ગઈ કાલે રાતે 8 વાગ્યે રવાના થનાર હતી, પણ આજે સવારે 6 વાગ્યે પણ ઉપાડી શકાઈ નહોતી. એને પરિણામે ફ્લાઈટના 150 પ્રવાસીઓ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટવાઈ ગયા છે અને પરેશાન થઈ ગયા હતા.

આખરે, 10 કલાકના વિલંબ બાદ પ્રવાસીઓ માટે એક વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને એમને દુબઈ રવાના કરવામાં આવ્યા હતા.

અટવાઈ ગયેલા પ્રવાસીઓમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થતો હતો.

દસ-દસ કલાકો પછી પણ ફ્લાઈટની વ્યવસ્થા ન થતાં પ્રવાસીઓ અકળાઈ ગયા હતા. દુબઈ ડિપાર્ચર વિશે એર ઈન્ડિયા તરફથી કોઈ અપડેટ ન કરાતાં કેટલાક પ્રવાસીઓ એર ઈન્ડિયાના સ્ટાફ સાથે દલીલબાજી કરતા જોવા મળ્યા હતા.

એક મહિલા પ્રવાસીએ કહ્યું કે, અમારી સાથે ત્રણ મહિનાનું એક બાળક પણ પ્રવાસ કરી રહ્યું છે. અમારી ફ્લાઈટ ક્યારે ઉપડશે એ અમને કોઈ જણાવતું નથી. એ લોકોએ અમને જે ફૂડ આપ્યું હતું એ પણ સાવ ખરાબ ક્વોલિટીનું હતું. એરપોર્ટ સ્ટાફ અમારી સાથે એકદમ અનપ્રોફેશનલી વર્તી રહ્યો છે. એમણે અમારામાંના અમુકને કહ્યું કે તમે જે સાઈટ પરથી ટિકિટ બુક કરાવી હોય એમની પાસેથી તમારા રીફંડના પૈસા માગો.