સજાગ ટિકિટ ચેકરે સમયસૂચકતા વાપરી તરુણનો જાન બચાવ્યોઃ કલ્યાણ સ્ટેશન પરની ઘટના

મુંબઈ – પડોશના થાણે જિલ્લાના કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફરજ પરના એક ટિકિટ ચેકરે ટ્રેનમાંથી પડી ગયેલા એક યુવકનો જાન બચાવી લીધો હતો.

એ યુવક મુંબઈથી લખનઉ જતી પુષ્પક એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને ચડવા જતો હતો ત્યારે એનો પગ લપસી જતાં એ ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર પડ્યો હતો. ટિકિટ ચેકર શશીકાંત ચવ્હાણ એ સમયે પ્લેટફોર્મ પર ઊભા હતા અને એમણે એ યુવકને પડતા જોયો કે તરત જ એમણે એ યુવકને ખેંચી લીધો હતો, નહીં તો એ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેની જગ્યામાંથી નીચે પાટા પર સરકી ગયો હોત અને ટ્રેન નીચે કપાઈ ગયો હોત.

આ દ્રશ્ય પ્લેટફોર્મ પરના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયું હતું.

ટિકિટ ચેકર શશીકાંત ચવ્હાણ (ડાબે) અને નવું જીવન પામેલો પ્રવાસી યુવક સંદીપ

ઉક્ત બનાવ ગયા શનિવારે સવારે લગભગ 9.30 વાગ્યે કલ્યાણ સ્ટેશનના ચાર નંબરના પ્લેટફોર્મ પર બન્યો હતો.

સંદીપ સોનકર તરીકે ઓળખાયેલો તે પ્રવાસી ટ્રેનના દરવાજા પર લટકી રહ્યો હતો અને ચાલુ ટ્રેને પ્લેટફોર્મ પર પડી ગયો હતો. ટિકિટ ચેકર ચવ્હાણ તરત જ સોનકરની મદદે દોડી ગયા હતા અને એને ટ્રેનથી દૂર હટાવી લીધો હતો. એટલી વારમાં તો બીજા લોકો પણ દોડી આવ્યા હતા. તે પ્રવાસી કોઈ પ્રકારની ઈજા વગર બચી ગયો હતો. ટીસી ચવ્હાણને એમની આ સજાગતા બદલ પ્લેટફોર્મ પર ઊભેલા સૌએ બિરદાવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]