મુંબઈ, થાણેમાં રાતે જ વીજળીના કડકાભડાકા સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ

મુંબઈ – મેઘરાજાની સવારી આવી રહી છે. મુંબઈ મહાનગરમાં ચોમાસાનાં આગમનમાં વિલંબ થયો છે, પણ આજે મોડી રાતે મુંબઈ તથા પડોશના નવી મુંબઈસ, થાણે, પાલઘર જિલ્લાઓમાં વીજળીના કડાકાભડાકા, ચમકારા અને સૂસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગનું અનુમાન છે કે આવતીકાલે પણ મુંબઈના ભાગો, પડોશના પાલઘર, થાણેમાં વરસાદ પડી શકે છે.

ચોમાસું લંબાતા અને ગરમી-ઉકળાટ વધી જતાં મુંબઈવાસીઓ પરસેવાથી રેબઝેબ થતા હોઈ છેલ્લા અનેક દિવસોથી ખૂબ પરેશાન છે અને વરસાદ પડવાની કાગડોળે રાહ જોઈને બેઠાં છે. ચોમાસું વિધિવત્ ભલે અમુક દિવસો પછી બેસે, પણ મંગળવારે વરસાદ પડીને થોડીઘણી રાહત આપે એવી મુંબઈગરાંઓની ઈચ્છા છે.

નૈઋત્યનું ચોમાસું કેરળમાં બેસી ગયું છે, પણ ત્યાંના પવને હજી મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો નથી. તેથી આવતીકાલનો વરસાદ ચોમાસા પૂર્વેનો મોસમી વરસાદ હશે.

અરબી સમુદ્રના દક્ષિણપૂર્વ ભાગમાં હવાનું નીચું દબાણ સર્જાતાં આ વરસાદ પડવાની શક્યતા છે.