લ્યો, રોજ વધતો હતોને, આજે ઘટી ગયો છે, મુંબઈમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ

મુંબઈ – કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની આબકારી જકાતમાં પ્રતિ લીટર અઢી રૂપિયાનો ઘટાડો કરતાં દેશભરમાં ઈંધણ સસ્તું થયું છે. જ્યાં ભાજપની સરકાર છે તેવા રાજ્યો – ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આસામ, ત્રિપુરા, મધ્ય પ્રદેશમાં પણ રાજ્ય સરકારોએ પેટ્રોલ-ડિઝલ પરના સ્થાનિક વેરામાં પ્રતિ લીટર અઢી રૂપિયા ઘટાડી દીધા છે. આમ, આ પેટ્રોલના ભાવવધારાની દિવસો જૂની સમસ્યામાં આજે થોડીક રાહત મળી છે. મહારાષ્ટ્ર સરકારે માત્ર પેટ્રોલમાં જ વેલ્યૂ એડેડ ટેક્સ (VAT) ઘટાડ્યો છે. ડિઝલ પર ઘટાડ્યો નથી.

ઈન્ડિયન ઓઈલ કંપનીના જણાવ્યાનુસાર, મુંબઈમાં પેટ્રોલનો આજનો ભાવ છે, પ્રતિ લીટર રૂ. 86.97 અને ડિઝલનો ભાવ છે રૂ. 77.45.

મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પર 39.12 ટકા વેટ વસુલ કરે છે જ્યારે ગોવા, જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાં 16 ટકા વેટ છે.

httpss://twitter.com/Dev_Fadnavis/status/1047793171927773184

જોકે કેન્દ્ર સરકારના આ ઘટાડાને સાવ મામુલી કહીને વિરોધપક્ષે વખોડી કાઢ્યો છે. વિપક્ષી સુરમાં ભાજપનો ભાગીદાર પક્ષ શિવસેના પણ જોડાયો છે.

ઈંધણના ભાવમાં ઘટાડો સાવ મામુલીઃ શિવસેના

શિવસેનાનાં સંસદસભ્ય રાહુલ શેવાળેએ કહ્યું છે કે આમજનતાનો રોષ ભભૂકી ઉઠવાનો ભય લાગતાં સરકારોને ઈંધણના ભાવ ઘટાડવાની ફરજ પડી છે. આ ઘટાડો તો સાવ મામુલી છે. ક્રૂડ તેલનું પ્રોસેસિંગ મુંબઈમાં કરવામાં આવે છે. મુંબઈમાં અનેક રીફાઈનરીઓ આવેલી છે તેથી આ શહેરમાં તો પેટ્રોલનો ભાવ દેશના અન્ય શહેરોની સરખામણીએ સૌથી ઓછો હોવો જોઈએ.

શિવસેનાનાં મહિલા પ્રવક્તા નીલમ ગોહેએ કહ્યું છે કે ભાજપશાસિત રાજ્યોમાં તો ઈંધણના ભાવ કુલ વધારાની સામે એક-તૃતિયાંશ જેટલા ઘટાડી દેવા જોઈએ. ઈંધણમાં ભાવવધારો બુલેટ ટ્રેનની ઝડપે થયો છે જ્યારે એમાં ઘટાડો ગોકળગાયની ઝડપે કરાયો છે. અઢી-અઢી રૂપિયાનો ઘટાડો તો સાવ મામુલી છે.

શિવસેના પાર્ટી કેન્દ્ર તથા મહારાષ્ટ્રમાં સરકારોમાં ભાજપની સાથીદાર છે.

શિવસેનાના અન્ય સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું કે, આ ભાવઘટાડાથી આમજનતાને કોઈ રાહત મળવાની નથી. સરકારોએ પહેલાં ઈંધણના ભાવ વધારીને આમજનતાનું લોહી ખેંચી લીધું અને પછી જ્યારે લોકો વેન્ટીલેટર પર આવી ગયા ત્યારે હવે એમને થોડુંક ઓક્સિજન દેવા માંડ્યા છે, એવી આ વાત છે.

શિવસેનાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે આવનારા દિવસોમાં પ્રતિ લીટર રૂ. 15-20 ઘટાડી દેવાની હિંમત બતાવવી જોઈએ.