મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્ય પ્રધાન બનીને જ રહેશેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈ – મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્ય પ્રધાનને બનશે એટલે બનશે જ, એમાં કોઈ ફેર નહીં એવી ગર્જના શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં કરી છે.

શિવસેનાના સ્થાપનાદિન નિમિત્તે ભાષણ કરતા પક્ષમુખ ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના બાવનમાં સ્થાપના દિન નિમિત્તે ગોરેગાંવ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ આક્રમક શૈલીમાં ભાષણ કર્યું હતું અને એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનની ટીકા કરી હતી.

ઉદ્ધવ ઠાકરેના ભાષણના અમુક અંશઃ

  • અમને સત્તા જોઈએ છે અને એ અમે લઈને જ રહીશું. મહારાષ્ટ્રમાં ભગવો ફરકાવીને જ રહીશું
  • બુલેટ ટ્રેનની જરૂર શું છે? બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આસપાસની જમીન ગુજરાતી લોકોએ ખરીદી લીધી છે
  • મુંબઈનું મહત્વ ઘટાડવાની એક ચાલબાજી છે. મુંબઈને જે મહારાષ્ટ્રથી તોડશે એને અમે તોડ્યા વિના નહીં રહીએ
  • દેશના સૈનિક ઔરંગઝેબે પાકિસ્તાનીઓ સામે લડતા પોતાના જાનનું બલિદાન આપ્યું. આવા ઔરંગઝેબને શિવસેના સલામ કરે છે. આ જ શિવસેનાનું હિન્દુત્વ છે.
  • ભાજપે જમ્મુ-કશ્મીરમાં પીડીપી સાથેની યુતી તોડી નાખી છે. એ સારું જ કર્યું. અમે એને આવકારીએ છીએ. આવી અભદ્ર યુતી કરવાની જરૂર જ શું હતી?
  • રમજાનના મહિનામાં યુદ્ધવિરામ કરવાની જરૂર શું હતી?
    મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં નેતા શિશિર શિંદે શિવસેનામાં પાછા ફર્યા
    રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વરિષ્ઠ નેતા શિશિર શિંદે આજે સ્વગૃહે પાછા ફર્યા છે. એ એમની જૂની શિવસેના પાર્ટીમાં પાછા ફર્યા છે.

આજે ગોરેગાંવમાં શિવસેનાના બાવનમા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિંદે શિવસેનામાં પાછા ફર્યા હતા.

સ્વગૃહે પાછા ફરતાં શિંદે ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયા પર અમુક વિડિયો ક્લિપ્સ ફરતી હતી. હું એ માટે શિવસૈનિકોની કાન પકડીને માફી માગું છું.


ઉદ્ધવ ઠાકરેએ શિંદેને શિવબંધન બાંધીને શિવસેનામાં પુનઃ પ્રવેશ કરાવ્યો હતો.


શિશિર શિંદેએ કહ્યું કે હું 17 વર્ષની વયે શિવસેનામાં જોડાયો હતો.


રાજ ઠાકરેએ જ્યારે શિવસેના છોડીને પોતાની અલગ – મનસે પાર્ટીની સ્થાપના કરી હતી ત્યારે એમની સાથે રહેવા શિવસેના છોડનાર નેતાઓમાં શિશિર શિંદેનો પણ સમાવેશ થતો હતો. ત્યારબાદ 2009માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિંદે જીત્યા હતા, પરંતુ 2014ની ચૂંટણીમાં એમનો પરાજય થયો હતો.


શિંદે છેલ્લા કેટલાક વખતથી મનસે પાર્ટીમાં અસ્વસ્થ હતા. એમણે ગયા વર્ષે જ રાજ ઠાકરેને પત્ર લખીને કહ્યું હતું કે એમને પક્ષમાંની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે.


શિશિર શિંદે એક સમયે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના કટ્ટર સમર્થક મનાતા હતા. 1991માં બાલ ઠાકરેના આદેશને પગલે શિશિર શિંદેએ મુંબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ યોજવાના વિરોધમાં વાનખેડે સ્ટેડિયમની પીચ ખોદી નાખી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]