ભીમા-કોરેગાંવ રમખાણો મામલે દોષી ઠરું તો ફાંસીની સજા કરજોઃ સંભાજી ભિડે

મુંબઈ – જેને કારણે ગયા બુધવારે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં દલિત સંગઠનોએ બંધ પળાવ્યો હતો તે પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવ ગામમાં ગયા રવિવાર-સોમવારે થયેલી હિંસા માટે પોલીસે દોષી જાહેર કરેલા સામાજિક કાર્યકર્તા સંભાજી ભિડે વિવાદ બાદ આજે પહેલી વાર જાહેરમાં આવ્યા હતા. એમણે મહારાષ્ટ્રના સાંગલીમાં પત્રકારો સમક્ષ હાજર થઈને કહ્યું હતું કે જો હું દોષી ઠરું તો મને ફાંસીની સજા કરજો, પણ એ રમખાણોનું સત્ય બહાર આવવું જ જોઈએ. મને હિંસાના મામલામાં ફસાવવામાં આવ્યો છે. હિંસામાં મારી સંડોવણીના આક્ષેપો પાયાવિહોણા છે. મહારાષ્ટ્ર સરકારે હિંસાની ઘટનામાં વિસ્તૃત તપાસ કરાવવી જોઈએ.

ગઈ 1 જાન્યુઆરીએ ભીમા-કોરેગાંવમાં દલિતો એંગ્લો-મરાઠા યુદ્ધની 200મી તિથિની યાદમાં એકત્ર થયા હતા. એ વખતે થયેલી હિંસા ભિડેએ ભડકાવી હતી એવા ભારિપ બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કરેલા આક્ષેપને ભિડેએ આજે નકારી કાઢ્યો હતો.

ભિડે ગુરુજી તરીકે જાણીતા સંભાજી ભિડેએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં લાગુ કરાયેલો ‘એટ્રોસિટી’ કાયદો લોકશાહીની હત્યાસમાન છે.

ભીમા-કોરેગાંવમાં દલિતો તથા સવર્ણ મરાઠાઓ વચ્ચે થયેલા રમખાણો ભડકાવવાનો ભિડે પર આરોપ મૂકવામાં આવ્યો છે. એમણે આજે જાહેરમાં આવીને એમના પ્રત્યાઘાત આપ્યા હતા.

એમણે કહ્યું કે હાલમાં જે ઘટનાઓ બની ગઈ છે તે મહારાષ્ટ્ર માટે કલંક સમાન છે. એ માટે કોણ દોષી છે એનું સત્ય બહાર આવવું જ જોઈએ.

મુંબઈમાં લાલબાગ ખાતે ભિડેની સભા રદ કરાઈ

 

દરમિયાન, મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તાર સ્થિત મેઘવાડીમાં સંભાજી ભિડેની આવતા રવિવાર, 7 જાન્યુઆરીએ નિર્ધારિત સભાને આજે રદ કરવામાં આવી હતી. ભિડે જેના અધ્યક્ષ છે તે શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન સંસ્થાએ આ સભા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

શિવ પ્રતિષ્ઠાને પત્ર લખીને આ સભા યોજવાની કાલાચોકી પોલીસ સ્ટેશન પાસે એક મહિના પહેલાં પરવાનગી માગી હતી, પરંતુ પોલીસે શિવ પ્રતિષ્ઠાનને વિનંતી કરી હતી કે હાલ તંગદિલીનું વાતાવરણ હોઈ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ સભાને રદ કરવી જોઈએ. સંસ્થાએ એ વિનંતીનું માન રાખીને સભા મોકૂફ રાખી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]