મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજવા માટે થશે રૂ. 913 કરોડનો ખર્ચ

મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આવતી 21 ઓક્ટોબરે યોજાવાની છે અને પરિણામ જાહેર કરાશે 24 ઓક્ટોબરે. આ ચૂંટણી યોજવા માટે રાજ્યની તિજોરીને થશે રૂ. 913 કરોડનો ખર્ચ.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્યને માથે હાલ રૂ. 4.71 લાખ કરોડનું દેવું છે ત્યારે આ ખર્ચો પણ એણે કરવો પડશે.

મહારાષ્ટ્ર સરકારે તેના વાર્ષિક બજેટમાં તો ચૂંટણીના ખર્ચની જોગવાઈ કરી જ હતી, પણ આ આંકડો વધવાની શક્યતા છે, કારણ કે 2014ની સાલની વિધાનસભા ચૂંટણી વખતનો ખર્ચ પણ શરૂઆતમાં રૂ. 421 કરોડ નક્કી થયો હતો, પણ બાદમાં વધીને રૂ. 793 કરોડ થઈ ગયો હતો.

મહારાષ્ટ્ર સરકારે તેના આ વર્ષ માટેના બજેટમાં કુલ ચૂંટણી ખર્ચ માટે રૂ. 1,754 કરોડની બજેટરૂપી ફાળવણી કરી હતી. એમાં લોકસભા ચૂંટણી માટે રૂ. 841 કરોડના ખર્ચનો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી પાછળના ખર્ચને તો જોકે બાદમાં કેન્દ્ર સરકારે ભરપાઈ કરી દીધો હતો.

વિધાનસભાની ચૂંટણી પાછળ થનારા ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન, માનવબળ, વેરહાઉસિંગ ખર્ચ, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs) અને વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPATs)ની બેટરીઝ અને પેપર રોલ્સના ખર્ચનો પણ સમાવેશ થાય છે.

દરેક મશીન માટેની બેટરી અને પેપર રોલ્સ પાછળ રૂ. 1,500નો ખર્ચ નક્કી થયો છે. રાજ્યની ચૂંટણીમાં કુલ 1 લાખ 80 હજાર ઈવીએમ મશીનો અને 1 લાખ 35 હજાર વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

રાજ્યમાં કુલ 96,654 પોલિંગ મથકો હશે, જે માટે કુલ 8,94,46211 મતદારો રજિસ્ટર થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 59.18 લાખનો વધારો થયો છે.

રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે કે નાગરિકો 27 સપ્ટેંબર સુધીમાં મતદાર તરીકે એમના નામ નોંધાવી શકે છે. 27 સપ્ટેંબર ઉમેદવારી નોંધાવવા માટેનો પહેલો દિવસ છે. મતદારો www.nvsp.in અથવા ceo.maharashtra.gov.in વેબસાઈટ પર નામ રજિસ્ટર કરાવી શકે છે અથવા 1950 ટોલ-ફ્રી નંબર ઉપર કોલ કરીને પણ નામ નોંધાવી શકે છે.

રાજ્ય સરકારે ચૂંટણીના દિવસો માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 350 ટૂકડીઓ પૂરી પાડવાની કેન્દ્ર સરકાર પાસે માગણી કરી છે. આ ટૂકડીઓમાં બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, આઈટીબીપીના જવાનોનો સમાવેશ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]