રિશી કપૂરનો ભોગ લેનાર બ્લડ કેન્સર

મુંબઈઃ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા રિશી કપૂરનું લ્યુકેમિયા સામે બે વર્ષની લાંબી લડત બાદ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આજે સવારે નિધન થયું હતું. 67 વર્ષીય અભિનેતાની અમેરિકામાં એક વર્ષ સુધી લ્યુકેમિયાની સારવાર કરવામાં આવી હતી. સપ્ટેમ્બર, 2019માં તેઓ ભારત પાછા ફર્યા હતા. ગઈ કાલે શ્વાસની તકલીફની ફરિયાદ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા.

રિશી કપૂરે લ્યુકેમિયા સાથે બે વર્ષની લડત પછી આજે સવારે પોણા નવ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફે જણાવ્યું હતું કે રિશી કપૂર છેવટ સુધી મનોરંજન કરતા રહ્યા હતા. તેઓ અંતિમ સમયે પણ ખુશમિજાજમાં હતા. બે વર્ષની સારવાર દરમ્યાન તેમનું  જીવન જીવવા માટેનું મનોબળ મક્કમ હતું, પણ અંતે તેઓ હારી ગયા. કુટુંબના મિત્રો, ફૂડ અને ફિલ્મો ફરી એક વાર તેમનું ફોક્સ રહ્યું હતું. તેમની માંદગીના સમયે પણ તેમને જે કોઈ મળ્યું એ તમામને આશ્ચર્ય થયું હતું કે તેમણે કેન્સરને તેમની પર હાવી નહોતું થવા દીધું, એમ કપૂર ફેમિલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર

લ્યુકેમિયા એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જે શરીરમાં શ્વેત રક્તકણોની સંખ્યામાં અસામાન્ય વધારાને કારણે થાય છે. લ્યુકેમિયાનાં લક્ષણોમાં શરીરમાં નબળાઈ કે થાક લાગવો, ઉઝરડા પડવા અથવા રક્તસ્રાવ, તાવ અથવા શરદી, હાડકાં અથવા સાંધામાં દુખાવો, ઊલટી આવવી, આંચકી આવવી, શ્વાસની તકલીફ અને ગંભીર ચેપ લાગવો છે.

રિશી કપૂર સાથે અનેક ફિલ્મોમાં કામ કરનાર મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટર પર “He is gone” (તે ગયો) લખીને રિશીના નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી. રિશીના અચાનક નિધનથી બોલીવૂડના કલાકારો, તેમના ચાહકો, રાજકારણીઓ, ક્રિકેટરો અને નેટિઝન્સ સુધી બધાએ સોશિયલ મિડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]