માર્કેટિંગ સ્ટ્રેટેજીઃ પ્રિયંકાની તસવીરવાળી સાડી, ‘નમો’ કેપ્સનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ

મુંબઈ/નવી દિલ્હી – મતદાનના 7-રાઉન્ડવાળી લોકસભા ચૂંટણી આડે હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશના મુખ્ય રાજકીય પક્ષો એમનાં પોતપોતાનાં સ્ટાર નેતાઓની તસવીરોવાળી ચીજવસ્તુઓ – જેવી કે સાડી, કેપ્સ, ટી-શર્ટ્સ, જેકેટ્સ, હેન્ડબેગ્સ, સ્કાર્ફ, માસ્ક, બલૂન્સનું દેશભરની બજારોમાં ધૂમ વેચાણ થાય એ માટે જોર લગાવી રહ્યાં છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં દુકાનોમાં, રસ્તાઓ પરના સ્ટોલ્સમાં અને ફેરિયાઓ પાસે આવી ચીજવસ્તુઓની લોકો મોટા પાયે ખરીદી કરતા આજકાલ જોવા મળે છે. આના પરથી કહી શકાય છે કે લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે.

રાજકીય પક્ષોએ ચૂંટણીના મહિનાઓમાં ધંધાકીય આવક મેળવવા માટે ખાસ માર્કેટિંગ વ્યૂહરચના અપનાવી છે.

મુંબઈમાં લાલબાગ, ઘાટકોપર, દાદર, મલાડ જેવા ખરીદી માટે જાણીતા વિસ્તારોમાં નેતાઓની તસવીરો અને પાર્ટીઓનાં પ્રતિકવાળી ચીજવસ્તુઓનાં વેચાણમાં આવેલા ઉછાળાથી વેપારીઓ ખુશ છે.

તો દિલ્હીમાં, અકબર રોડ ખાતે કોંગ્રેસના મુખ્યાલયની બહાર 38 વર્ષીય જીતરામ કોંગ્રેસને લગતી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. એ વર્ષોથી આવી ચીજવસ્તુઓ વેચતો આવ્યો છે, પણ આ વખતે પહેલી જ વાર પ્રિયંકા ગાંધી-વાડ્રાની તસવીરવાળી નવી બનાવેલી સાડી વિશિષ્ટ છે, એમ એનડીટીવીનો અહેવાલ છે.

જીતરામનાં સ્ટોલમાં સાડીઓ, કાર પર લગાડવાના ધ્વજ, સ્ટિકર્સ પણ વેચાય છે.

પ્રિયંકાનાં ફોટાવાળી સાડી આ વખતની ચૂંટણી મોસમમાં સૌથી વધારે ડીમાન્ડમાં છે. આ સાડી સ્ટોલમાં મૂક્યાને હજી માત્ર 15 દિવસ જ થયા છે, પણ એ ચપોચપ વેચાઈ રહી છે. આ સાડીની કિંમત 700 રૂપિયા છે. એની પર કોંગ્રેસ પાર્ટીનું પ્રતિક પંજો, ઈન્દિરા ગાંધીની તસવીર અને પ્રિયંકાની તસવીર છે.

આ સાડીઓ ગુજરાતમાં બનાવવામાં આવી છે. જીતરામ જેવા ઘણા વેપારીઓએ ગુજરાતના સાડી ઉત્પાદકને ઓર્ડર આપ્યો હતો.

આ વેચાણમાં ભારતીય જનતા પાર્ટી પણ પાછળ નથી. એના પ્રતિક કમળને દર્શાવતી અને ટ્રેડમાર્ક બનેલા NaMo લખેલી ચીજવસ્તુઓ ધડાધડ વેચાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળી અનેક ચીજવસ્તુઓ ખૂબ વેચાઈ રહી છે. આમાં કાંડાઘડિયાળો અને ‘નમો’ કેપ્સ મોખરે છે.

ભાજપ તો એક ડગલું આગળ વધી છે. એ NaMo એપ મારફત ઘણી ચીજવસ્તુઓ વેચી રહી છે. એણે તો એ માટે એક મિની ટ્રક તૈયાર કરી છે જેને ‘નમો રથ’ નામ આપ્યું છે. આ ‘નમો રથ’ અનેક રસ્તાઓ પર ફરતી રહે છે.

મૈં ભી ચોકીદાર સૂત્ર લખેલું ટી-શર્ટ રૂ. 200માં વેચાય છે જ્યારે મોદીનાં ફોટાવાળી દીવાલ ઘડિયાળનો ભાવ રૂ. 275 રખાયો છે. આ ઉપરાંત સ્ટેશનરી, ફૂગ્ગા અને છત્રી જેવી ચીજવસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

‘નમો’ નામની ચીજવસ્તુઓનું અત્યાર સુધીમાં રૂ. 10 કરોડનું વેચાણ થયું છે. જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને આ તમામ આવકનો ઉપયોગ ‘નમામી ગંગે’ યોજના માટે કરવામાં આવશે, એમ ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય મનોજ ગોયલનું કહેવું છે.

પ્રિયંકા અને નરેન્દ્ર મોદી ઉપરાંત રાહુલ ગાંધી, અખિલેશ સિંહ યાદવ જેવા અન્ય નેતાઓની તસવીરોવાળી ચીજવસ્તુઓનું પણ ઘણું સારું વેચાણ થઈ રહ્યું છે એમ વેપારીઓનું કહેવું છે.

લોકસભા ચૂંટણીમાં મતદાનનો પહેલો રાઉન્ડ 11 એપ્રિલે યોજાશે. ત્યારબાદ 18, 23, 29 અને મે મહિનાની 6, 12, 19 તારીખે અન્ય મતદાન રાઉન્ડ થશે. 23 મે મતગણતરી અને પરિણામનો દિવસ છે.