મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્ક 100 રૂપિયાના મૂલ્યની નવી ચલણી નોટ વ્યવહારમાં મૂકે એવા અહેવાલો છે. નવી નોટ હાલની નોટની સરખામણીમાં કદમાં નાની હશે અને એનો બેઝ રંગ આછો જાંબલી (જાંબુડી) હશે.
નવી નોટમાં ગુજરાતની રાણીની વાવનું ચિત્ર હશે.
રિઝર્વ બેન્ક ઓગસ્ટ અથવા સપ્ટેંબરમાં નવી નોટ ચલણમાં મૂકે એવી ધારણા છે.
નવી નોટ ઈસ્યૂ કરાયા બાદ જૂની 100ની નોટ ચલણમાં યથાવત્ રહેશે.
રિઝર્વ બેન્ક આ પહેલાં 2000, 500, 200, 50, 20 રૂપિયાની નવી નોટ ઈસ્યૂ કરી ચૂકી છે.
નવી 100 રૂપિયાની નોટ કદમાં 10 રૂપિયાની નોટ કરતાં સહેજ મોટી હશે.
મધ્ય પ્રદેશના દેવાસમાં બેન્ક પ્રેસ નોટમાં નવી નોટનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે.
આ નોટમાં દેશી શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૈસૂરના પ્રિન્ટિંગ પ્રેસમાં 100ની નોટનો નમૂનો છાપવામાં આવ્યો હતો ત્યારે વિદેશી શાહીનો ઉપયોગ કરાયો હતો, પણ એમાં કંઈક તકલીફ પડી હતી એટલે પ્રિન્ટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.
વળી, નવી નોટ સ્વદેશી પદ્ધતિવાળા કાગળથી જ બનાવવામાં આવી છે. કાગળ હોશંગાબાદની સિક્યોરિટી પેપર મિલમાંથી લાવવામાં આવ્યો છે.