મુંબઈમાં રેલવે સેવાઓ નહીં સુધારો ત્યાં સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવા નહીં દઈએઃ રાજ ઠાકરેની ચેતવણી

મુંબઈ – 23 નિર્દોષ રેલવે પ્રવાસીઓનું ચગદાઈને કરૂણ રીતે મોત નિપજવાની 29 સપ્ટેંબરના શુક્રવારે એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર બનેલી દુર્ઘટના વિશે પ્રત્યાઘાત આપતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આજે કહ્યું છે કે જ્યાં સુધી મુંબઈમાં પરપ્રાંતવાસીઓનો પ્રવાહ રોકવામાં નહીં આવે ત્યાં સુધી આવી ધક્કામુક્કીની દુર્ઘટનાઓ બનવાનું ચાલુ જ રહેશે.

રાજ ઠાકરેએ એવી ચેતવણી પણ આપી છે કે જ્યાં સુધી મુંબઈમાં લોકલ રેલવેની માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી મુંબઈમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક પણ ઈંટ મૂકવા દેવામાં નહીં આવે.

રાજ ઠાકરેએ અહીં દાદર સ્થિત એમના નિવાસસ્થાન કૃષ્ણકુંજ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દેશના અન્ય પ્રાંતોમાંથી લોકોના થયેલા ધસારાને કારણે મુંબઈમાં માળખાકીય સુવિધાઓ પડી ભાંગી છે. હું જ્યારે દક્ષિણ મુંબઈની સર જે.જે. કોલેજમાં આર્ટ્સનું ભણતો હતો ત્યારે બે વર્ષ સુધી મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરતો હતો. આવી દુર્ઘટનાઓ વખતે મુંબઈગરાંઓનો જુસ્સો બહુ જાણીતો છે, પણ વાસ્તવમાં આ નિઃસહાયપણું છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે લગભગ 10.30 વાગ્યાના સુમારે પશ્ચિમ રેલવેના એલફિન્સ્ટન રોડ (હવે પ્રભાદેવી) અને મધ્ય રેલવેના પરેલ સ્ટેશનને જોડતા ફૂટઓવર રેલવે બ્રિજ પર એલફિન્સ્ટન સ્ટેશન બાજુએ થયેલી નાસભાગ-ધક્કામુક્કીને કારણે 23 જણ માર્યા ગયા છે અને બીજાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

રાજ ઠાકરેએ કહ્યું કે, અમારી પાર્ટીના નેતા બાલા નાંદગાંવકરે ગઈ કાલે જ્યાં ધક્કામુક્કી દુર્ઘટના થઈ હતી એ સ્થળે નવો પૂલ બાંધવાની લેખિતમાં વિનંતી કરી હતી, પણ રેલવે દ્વારા કોઈ પગલું ભરવામાં આવ્યું નહોતું અને એને બદલે નાંદગાંવકરને એમ કહેવામાં આવ્યું હતું કે તમે MMRDA કંપનીનો સંપર્ક કરો.

રાજ ઠાકરેએ કહ્યું કે, કાકોડકર સમિતિએ મુંબઈમાં રેલવે સુવિધાઓ સુધારવા માટે રૂ. એક લાખ કરોડનો ખર્ચ કરવાની સૂચન કર્યું છે, પણ એની પર કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. એને બદલે એ જ ખર્ચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. પાયાની રેલવે સુવિધાઓને સુધારવાને બદલે શું મુંબઈને બુલેટ ટ્રેનની જરૂર છે ખરી?

રાજ ઠાકરેએ ભાજપના સંસદસભ્ય કિરીટ સોમૈયાને ટાર્ગેટ બનાવીને કહ્યું કે, શહેરની રેલવે સેવાઓ પડી ભાંગી છે ત્યારે તેઓ કેમ ચૂપ છે? કોંગ્રેસ જ્યારે મહારાષ્ટ્રમાં સત્તા પર હતી ત્યારે આ જ સોમૈયાએ રેલવે પ્લેટફોર્મ્સની ઊંચાઈ માપતા હતા, પણ હવે જ્યારે ભાજપના શાસનમાં આવડી મોટી દુર્ઘટના થઈ છે ત્યારે તેઓ કેમ ચૂપ છે? સોમૈયાએ ન તો ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી કે ન તો હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોને મળ્યા હતા. રેલવેવાળા કહે છે કે વરસાદને કારણે નાસભાગ થઈ હતી, પણ મુંબઈમાં આ કંઈ પહેલી વાર વરસાદ પડ્યો નથી.

ઠાકરેએ ચેતવણી આપી છે કે મુંબઈની લોકલ ટ્રેન સેવાને લગતા પ્રશ્નોની એક યાદી અમે પાંચ ઓક્ટોબરે રેલવેના અધિકારીઓને આપીશું અને સાથોસાથ એમને એક ડેડલાઈન પણ આપીશું. જો બધું બરાબર નહીં થાય તો અમે જોઈ લઈશું.