ફેરિયાઓના મામલે કોર્ટના તિરસ્કારનો કેસ ફાઈલ કરવાની MNSની ધમકી

મુંબઈ – મહાનગરમાં રેલવે સ્ટેશનોના પરિસરમાં બેસતા ગેરકાયદેસર ફેરિયાઓના ગંભીર બની ગયેલા મામલે ચર્ચા કરવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે આજે અહીં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.


મુંબઈમાં ફેરિયાઓ ધંધો કરી શકે એ માટે એક નીતિ ઘડવાની માગણી સાથે ફેરિયાઓએ બુધવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે એક સભા યોજી હતી. બુધવારે જ રેલવે પરિસરમાંથી ગેરકાયદેસર ફેરિયાઓને હટાવવાના મામલે દાદરમાં મનસે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી.


મનસેના નેતા બાલા નાંદગાંવકરે જણાવ્યું છે કે ફેરિયાઓને માત્ર હોકિંગ ઝોન્સમાં જ બેસીને ધંધો કરવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા ચુકાદાનો મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર અમલ કરે. જો સરકાર કોર્ટના આદેશનો અમલ કરશે તો અમારે ફેરિયાઓ વિરુદ્ધ આંદોલન કરવાની જરૂર નહીં પડે. પણ જો સરકાર અમલ નહીં કરે તો અમે કોર્ટના તિરસ્કારનો કેસ ફાઈલ કરીશું.