રાજ ઠાકરેના 50મા જન્મદિવસ નિમિત્તે મુંબઈગરાંઓને ડિસ્કાઉન્ટમાં મળ્યું પેટ્રોલ-ડિઝલ

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આજે એમનો 50મો જન્મદિવસ અનોખી સ્ટાઈલમાં ઉજવ્યો.

પક્ષના એક પ્રવક્તાએ કહ્યું કે ઠાકરેએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેવી તૈયાર કરાયેલી એક વિશેષ કેક કાપી હતી. તેમજ મુંબઈમાં 36 પેટ્રોલ પમ્પ્સ ખાતે તેમજ રાજ્યમાં બીજે ઘણે ઠેકાણે લોકોને મનસે પાર્ટી તરફથી પેટ્રોલ અને ડિઝલમાં પ્રતિ લીટર 4થી લઈને 9 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

મુંબઈમાં પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં પસંદગીના 36 પેટ્રોલ પમ્પ્સ ખાતે તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં બીજા 48 પેટ્રોલ પમ્પ્સ ખાતે લોકોને પેટ્રોલ-ડિઝલના સત્તાવાર ભાવ કરતાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ સ્કીમનો લાભ લેવા માટે ટુ-વ્હીલર્સના ચાલકોની આજે સવારથી જ પસંદગીકૃત પેટ્રોલ પમ્પ્સ ખાતે લાંબી લાઈન જોવા મળી હતી.

મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કહ્યું કે લોકોએ માત્ર સસ્તું પેટ્રોલ ખરીદવા માટે જ લાઈન લગાવી હતી એવું નથી, પરંતુ હકીકતમાં ઈંધણના વધુપડતા ભાવ સામે કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવા માટે જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.

આજે મુંબઈમાં પેટ્રોલનો સત્તાવાર ભાવ પ્રતિ લીટર રૂ. 84.3 હતો. એની સામે મનસે પાર્ટીએ ડિસ્કાઉન્ટમાં એ વેચતાં ટુ-વ્હીલર્સ માટે ઘણી રાહત થઈ હતી.

દિવસને અંતે એ તમામ પેટ્રોલ પમ્પ્સના માલિકોને મનસે પાર્ટી ભાવમાંનો ફરક ચૂકતે કરી દેશે. ચોક્કસ રકમ તત્કાળ ઉપલબ્ધ થઈ નથી, પરંતુ એવો અંદાજ છે કે હજારો લોકોએ મનસે પાર્ટીની આ ઝુંબેશનો લાભ લીધો હતો.

રાજ ઠાકરેને જન્મદિનની શુભેચ્છા આપવા તથા એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવા મુંબઈ ઉપરાંત સોલાપુર, પુણે તથા મહારાષ્ટ્રના અનેક ભાગોમાં મનસે પાર્ટીના સ્થાનિક જિલ્લા નેતાઓએ મંદિરોમાં પૂજા અને આરતીનું આયોજન કર્યું હતું.

મુંબઈમાં મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારમાં રાજ ઠાકરેની હાજરીમાં 50 જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિઓને મફતમાં વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]