પુણેની કોસમોસ કોઓપરેટિવ બેન્ક લૂંટાઈ; સાઈબર એટેક્સ દ્વારા હેકર્સ 95 કરોડ ઉપાડી ગયા

પુણે – અહીંની કોસમોસ કોઓપરેટિવ બેન્ક પર છેલ્લા ત્રણ દિવસમાં બે વાર સાઈબર હુમલા થયા છે. હેકર્સે છેતરપીંડી કરીને અનેક વિદેશી તથા ડોમેસ્ટિક બેન્ક એકાઉન્ટ્સમાં રૂ. 94.42 કરોડ ટ્રાન્સફર કરી લીધા છે.

દેશમાં કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રમાં સૌથી જૂની અને મોટી બેન્કોમાં કોસમોસ બીજા નંબરે છે.

આ બેન્ક પર પહેલાં ગયા શનિવારે અને પછી ગઈ કાલે સોમવારે, એમ બે વખત સાઈબર એટેક થયો હતો. કોસમોસ બેન્કના એક અધિકારીએ ચતુરશ્રૃંગી પોલીસ સ્ટેશનમાં આ વિશે એફઆઈઆર નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે પહેલો એટેક 11 ઓગસ્ટે બપોરે 3 અને રાત્રે 10 વાગ્યા વચ્ચે થયો હતો અને બીજો એટેક 13 ઓગસ્ટે સવારે આશરે 11.30 વાગ્યે કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે બેન્કના અત્રેના મુખ્યાલયના કામકાજ પર માઠી અસર પડી છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે સાઈબર હુમલા કરાયા એ દરમિયાન અમુક અજાણ્યા શખ્સોએ કોસમોસ બેન્કના મુખ્યાલય ખાતે એટીએમ સ્વિચ (સર્વર્સ) હેક કરી હતી અને બેન્કના વિસા તથા રૂપે ડેબિટ કાર્ડ ગ્રાહકોની સંવેદનશીલ ડેટા હાંસલ કરી લીધી હતી.

હેકર્સે 12 હજાર વિસા કાર્ડ સોદાઓ કરીને રૂ. 78 કરોડ ઉપાડ્યા હતા અને એ રકમને હોંગ કોંગમાંના બેન્ક એકાઉન્ટ્સ સહિત ભારતની બહાર ટ્રાન્સફર કરી લીધા હતા.

એવી જ રીતે, હેકર્સે 2.50 કરોડની રકમ 2,849 કરોડ સોદાઓ દ્વારા ભારતની અંદર જ ટ્રાન્સફર કરી હતી. પોલીસ આ બધી વિગતોની તપાસ કરી રહી છે.

હજી અમુક દિવસો પહેલાં જ અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ કેશ-હેક વિશેની એક ચેતવણી દુનિયાભરની બેન્ક્સજોગ ઈસ્યૂ કરી હતી.

એફબીઆઈની ચેતવણીમાં જણાવાયું હતું કે દુનિયાભરમાં એટીએમ કેશ મશીન્સ સાથે મોટા પાયે હેકિંગ થવાનો ખતરો છે.