મહારાષ્ટ્રમાં ચોમાસામાં વોટરફોલ્સ, ડેમ ખાતે પિકનીક, પર્યટન પર પ્રતિબંધ મૂકાયો

મુંબઈ – વીકએન્ડમાં થાણે, પાલઘર કે રાયગડ જિલ્લાઓમાં વોટરફોલ્સ કે ડેમ સ્થળોએ ફરવા જવાનો વિચાર કરનારાઓ માટે નિરાશાજનક સમાચાર છે. મુંબઈની પડોશમાં આવેલા પાલઘર જિલ્લાના વસઈ ઉપનગરના પૂર્વ ભાગમાં આવેલા ચિંચોટી ધોધ ખાતે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાતાં સેંકડો પર્યટકો-પિકનીક માણનારાઓ ફસાઈ જતાં જે ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એમાંથી બોધપાઠ લઈને મહારાષ્ટ્ર સરકારે વરસાદની મોસમ દરમિયાન થાણે, પાલઘર, રાયગડમાં આવેલા અનેક વોટરફોલ્સ, સરોવરો અને ડેમના સ્થલોએ પીકનીક-પર્યટન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

થાણે જિલ્લામાં જોખમી પર્યટન સ્થળોથી એક કિલોમીટરના પરિસરમાં જવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ પ્રતિબંધ આવતી 31 જુલાઈ સુધી અમલમાં રહેશે.

રત્નાગીરીમાં ડેમ તથા પાણીના ધોધના સ્થળોએ ફરવા જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

એવી જ રીતે, પાલઘર જિલ્લામાં પણ વોટરફોલ્સ અને બંધનાં સ્થળોએ પ્રવાસ-પર્યટન કે પિકનીક પર જવાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અમુક દિવસોમાં પર્યટનનો આનંદ લેવાની ઘેલછામાં કેટલાક અતિઉત્સાહી લોકોએ જાન ગુમાવ્યાની ઘટનાઓ બની હતી. એને ધ્યાનમાં લઈને જ એવી ઘટનાઓ ફરી ન બને એ માટે પ્રશાસને પર્યટન સ્થળો ખાતે પર્યટકોને જવાની મનાઈ ફરમાવી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]