‘મહારાષ્ટ્ર બંધ’ શાંતિપૂર્ણ, સફળ રહ્યાનો પ્રકાશ આંબેડકરનો દાવો

મુંબઈ – ભારિપ બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકરે એમના સંગઠને કરેલી મહારાષ્ટ્ર બંધની હાકલ આજે સાંજે પાંચ વાગ્યાથી પાછી ખેંચી લીધાની ઘોષણા કરી છે. આ બંધને કારણે મહાનગર મુંબઈના લગભગ તમામ ભાગો તથા મહારાષ્ટ્ર રાજ્યના અન્ય ભાગોમાં આજે સવારે 7 વાગ્યાથી લઈને 10 કલાક સુધી જનજીવન ઠપ રહ્યું હતું.

આંબેડકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો અને એને સમગ્ર રાજ્યમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ બંધને સફળ બનાવવા બદલ હું મારા તમામ સમર્થકોનો આભાર માનું છું.

આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર છે.

પ્રકાશ આંબેડકરે એવી માગણી કરી છે કે ગઈ 1 જાન્યુઆરીએ પુણે જિલ્લાના કોરેગાંવ-ભીમા ગામમાં થયેલી જાતિવાદી હિંસા તથા એમાં એક મરાઠા યુવકના નિપજેલા મરણના દોષીઓ પર મહારાષ્ટ્ર સરકાર હત્યાનો આરોપ લગાવે.

આંબેડકરે આ માટે બે જણના નામ આપ્યા છે. એક, શિવજાગર પ્રતિષ્ઠાનના પ્રમુખ, સાંગલીના 85 વર્ષીય સંભાજી ભિડે ગુરુજી અને હિન્દુ જનજાગૃતિ સમિતિના પ્રમુખ, 56 વર્ષીય પુણેનિવાસી મિલિંદ એકબોટે. આ બંને જણ સામે પુણેની પોલીસે ફરિયાદ નોંધી છે.

આંબેડકરે માગણી કરી છે કે ભિડે ગુરુજી અને એકબોટેની ધરપકડ કરવી જોઈએ અને યાકૂબ મેમણને કરાઈ હતી એવી સજા આ બંનેને કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે યાકૂબ મેમણને 1993ના માર્ચના મુંબઈ સિરિયલ બોમ્બધડાકાઓના કેસમાં અપરાધી જાહેર કરાયો હતો અને બાદમાં એને ફાંસી આપવામાં આવી હતી.

આંબેડકરે કહ્યું કે મહારાષ્ટ્ર બંધ પાળવાનો હેતુ એકલા દલિત બાંધવો માટેનો નહોતો, પણ રાજ્યના વંચિત લોકોની ખરાબ દશા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવા તેમજ એમને ન્યાય અપાવવા માટેનો હતો.

બંધ પાછો ખેંચવાની ઘોષણા બાદ તરત જ ધીમે ધીમે મુંબઈમાં પરિસ્થિતિ રાબેતા મુજબ થવા લાગી હતી.