પ્રભાતનાં પુષ્પો

દિવાળીના દિવસોમાં ઘરના ટોડલા પર અમે જ્યારે કોડિયું મૂક્યું ત્યારે એનું તેજ જોઈને અમારા ઘરની વીજળીની બત્તીઓ ખડખડ હસવા લાગી અને અમે એક બાજુ ઊભા રહીને આ ખેલ જોવા લાગ્યા. શહેરના છોકરાઓ ગામડાંમાંથી શહેરમાં ભણવા આવતા છોકરાની મશ્કરી કરે એમ ઘરની વીજળીની બત્તીઓ આ કોડિયાની મશ્કરી કરવા લાગી. એકે કહ્યું, ‘જુઓ! જુઓ! આ માટીનું કોડિયું! આપણી હરીફાઈ કરવા આવ્યું છે! એને શરમ નથી આવતી?’

આ સાંભળીને કોડિયું બોલ્યું, ‘ઓ વીજબત્તીઓ! અમારી મશ્કરી કરવી રહેવા દો. તમારા અને અમારા માર્ગ જુદા છે. આમાં હરીફાઈનો કોઈ સવાલ જ નથી. વર્ષો પહેલાં જ્યારે તમારું આગમન થયું ન હતું ત્યારે અંધકારમાં માનવીના સાચા માર્ગદર્શક અમે જ હતાં. અને અમારી સોબતની અસરને લીધે દરેક માનવીનું હૃદય પણ પ્રેમથી એટલું જ પ્રકાશિત હતું. એનો આત્મા તેજસ્વી રહેતો અને જ્યોતની સાથે જ્યોત મળે એમ તેને એકબીજા સાથે હળતાં મળતાં આવડતું. અમારે લીધે માનવજાત પર ઘણી જ અસર પડી છે.

‘પણ વખત જતાં તમે લોકો આવ્યા. લોકો અમને ભૂલી ગયા અને તમારા તેજથી એટલા બધા અંજાઈ ગયા કે એમના હૃદયમાં અંધકાર છવાયો. પરિણામ એ આવ્યું કે તમારો અતિ તેજસ્વી પ્રકાશ હોવા છતાં પણ માણસો એકબીજાની સામે આંધળા હોય એવી રીતે અથડાય છે અથવા તો એક બાજુ તરીને, કોઈની સામે જોયા વિના ચાલ્યા જાય છે. તમારા આગમનથી ઘરના ઓરડા વધુ પ્રકાશિત બન્યા છે પણ દરેકનાં આંગણે તો અંધારું જ છે. શહેરોમાં અને ગામડે ગામડે તમારું તેજ પહોંચ્યું છે. અને એમ છતાં પણ દરેક જણ શા માટે બૂમ પાડે છે કે આજે આખી દુનિયામાં અંધકાર છવાયો છે? આ પોકાર એટલું જ સાબિત કરી બતાવે છે કે તમારું તેજ એ તેજ નથી પણ જાદુઈ માયા છે. માયામાંથી મુક્ત થવા માટે આજે આખી દુનિયા તરફડિયાં મારી રહી છે અને તેથી જ દિવાળીના દિવસોમાં એને અમારા સાત્ત્વિક પ્રકાશમાંથી બે ઘડી માટે સાચો આનંદ મળે છે.

‘અને એક દિવસ એવો જરૂર આવશે કે પ્રભુનાં દર્શન કરવા માટે હાથમાં વીજળીની બત્તી નહીં પણ અમારો આશ્રય લઈને તે આગળ વધશે.આમ થશે ત્યારે જ એને દુ:ખમાંથી મુક્તિ મળશે.’

કોડિયાની વાણી જેવી બંધ થઈ કે અચાનક ‘ફ્યૂઝ’ ચાલ્યો ગયો અને અમારા ઘરમાં અંધકાર છવાઈ ગયો. પણ પ્રભુની મૂર્તિ પાસે અમે જે દીપક મૂક્યો હતો એનો પ્રકાશ અમને એવો મધુર લાગવા માંડ્યો કે જાણે અમારો આત્મા ત્યાં પ્રગટ થયો હોય અને મૂર્તિનું સૌંદર્ય અનેકગણું વધી ગયું.

અમે સૌ હાથ જોડીને, એકબીજાની સાથે ખભેખભા મિલાવીને ઊભા રહ્યા.

 

 

 

(લેખકના પુસ્તક ‘પ્રભાતનાં પુષ્પો’માંથી)