‘મોદીના પોસ્ટર મૂકો, નહીં તો તમારી સપ્લાય કટ’: પેટ્રોલ પમ્પ્સના માલિકોને ધમકી?

મુંબઈ – પેટ્રોલ પમ્પ્સના ડીલર્સ આજકાલ એક નવી તકલીફનો સામનો કરી રહ્યા છે. એમનો આક્ષેપ છે કે સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ – ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એરિયા ઓફિસરોએ એમને મૌખિક સૂચના આપી છે કે તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરો તમારા પમ્પ્સ ખાતે મૂકો નહીં તો કંપનીઓ તરફથી તમને મળતા ઈંધણની સપ્લાયમાં કાપ મૂકી દેવામાં આવશે.

હિન્દુ અખબારના અહેવાલ મુજબ, કોન્સોર્ટિયમ ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સના પ્રમુખ એસ.એસ. ગોગીનું કહેવું છે કે સરકારી ઓઈલ કંપનીઓના અધિકારીઓ અમને કહે છે કે તમારી રીટેલ આઉટલેટ્સમાં પીએમ મોદીના ફોટા-પોસ્ટરો મૂકો. જે લોકો આમ કરવાની ના પાડે છે એમની સપ્લાય બ્લોક કરી દેવાની ધમકી આપવામાં આવે છે.

જોકે આઈઓસી કંપનીના એક અધિકારીએ પેટ્રોલ પમ્પ્સના માલિકોને સપ્લાય કટ કરી દેવાની ધમકી અપાતી હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે. અમારા કોઈ અધિકારીએ એવી ધમકી આપી નથી.

આઈઓસી અધિકારીએ કહ્યું કે, અમે તો ઘણી યોજનાઓને પ્રમોટ કરી રહ્યા છીએ. એમાંની ઘણી યોજનાઓ મોદી સરકારે શરૂ કરી છે તેથી એમાં એમનો ફોટો તો હોય જ. તેથી યોજનાઓનો પ્રચાર કરતી વખતે મોદીની તસવીર તો આપોઆપ જ આવી જવાની.

પેટ્રોલ પમ્પ્સ ખાતે કામ કરતા કર્મચારીઓ વિશેની વિગતો પૂરી પાડવાની ડીલર્સના સંગઠનને સૂચના આપ્યા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સામે ડીલર્સ રોષે ભરાયા છે. કર્મચારીઓની જાતિ, ધર્મ, આધાર નંબર તથા અન્ય વિગતો આપવાની ડીલર્સને સૂચના આપવામાં આવી હતી.

ડીલર્સ કોન્સોર્ટિયમે તે આપવાનો ઈનકાર કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]