મુંબઈ – આજે અહીંથી અમદાવાદ જતી એક જેટ એરવેઝની ફ્લાઈટ સમયસર ન ઉપડતાં તેના 158 પ્રવાસીઓ મુંબઈના એરપોર્ટ પર અટવાઈ ગયાં હતાં.
9W-2314 ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ માટે રવાના થવાની હતી અને પ્રવાસીઓ એ માટે રાહ જોઈ રહ્યાં હતાં. એવામાં ઓનબોર્ડ સ્ટાફે એમને જાણ કરી હતી કે અમદાવાદ એરપોર્ટ બંધ છે.
જોકે બાદમાં જેટ એરવેઝના એક અધિકારીએ એએનઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ છે.
એ વાત ખરી છે કે અમદાવાદ એરપોર્ટ પર અમુક મેઈન્ટેનન્સ કાર્ય હાથ ધરાયું હતું, પરંતુ જેટ એરવેઝને લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી. જોકે બાદમાં માલુમ પડ્યું હતું કે વિમાનમાં કોઈક ટેકનિકલ ખામી ઊભી થઈ છે, એમ જેટ એરવેઝના અધિકારીએ કહ્યું હતું.