મહારાષ્ટ્રમાં સરકારની રચનાનું કોકડું: ગવર્નર સમક્ષ કયા વિકલ્પ છે?

મુંબઈ – મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયાને આજે 15મો દિવસ છે તે છતાં હજી સુધી સરકાર રચાઈ નથી. ભાજપ અને તેના મુખ્ય ભાગીદાર શિવસેના તથા અન્ય પક્ષોની બનેલી મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે તે છતાં હજી સરકાર રચાઈ નથી, કારણ કે મામલો મુખ્ય પ્રધાન પદના મુદ્દે ભાજપ-શિવસેના વચ્ચે થયેલા ઝઘડાને કારણે અટક્યો છે.

શિવસેના 50-50 ટકાના ધોરણે સત્તાની વહેંચણી ઈચ્છે છે. એટલે કે અઢી વર્ષ માટે ભાજપના મુખ્ય પ્રધાન સરકાર ચલાવે અને અઢી વર્ષ શિવસેનાનો મુખ્ય પ્રધાન. શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે 50-50ની ફોર્મ્યુલા અંગે તેમની અને ભાજપપ્રમુખ અમિત શાહ વચ્ચે લોકસભાની ગત્ ચૂંટણી પૂર્વે સમજૂતી થઈ હતી.

પરંતુ હવે ભાજપ એ ફોર્મ્યુલા સ્વીકારવા તૈયાર નથી.

ભાજપને 105 બેઠક મળી છે, શિવસેનાને 56, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 54 અને કોંગ્રેસ પાર્ટીને 44 સીટ મળી છે. અન્ય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ વિધાનસભ્યોએ 28 સીટ કબજે કરી છે.

ભાજપની બાદબાકી કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને શિવસેના સરકાર રચવા માગતી હોવાનું કહેવાય છે. પરંતુ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી શિવસેનાને ટેકો આપવા તૈયાર નથી એવું એમની પાર્ટીના સૂત્રોનું કહેવું છે.

નવી સરકાર રચવા માટે હવે માત્ર બે જ દિવસનો સમય બચ્યો છે.

શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે અમારી પાર્ટીનું મક્કમ વલણ છે કે ભાજપે ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલાને લાગુ કરવી જ જોઈએ અને મુખ્ય પ્રધાન પદ વહેંચી લેવું જોઈએ. એ સિવાય બીજી કોઈ શરત અમને માન્ય નથી.

મહારાષ્ટ્ર ભાજપ એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલનું કહેવું છે કે તેઓ આજે રાજ્યપાલ કોશિયારીને મળ્યા હતા અને સરકારની રચનામાં થયેલા વિલંબ પાછળના કારણો વિશે એમને માહિતગાર કર્યા હતા. પાટીલે કહ્યું કે મહાયુતિને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે એટલે સરકાર તો એણે જ રચવી જોઈએ. ટૂંક સમયમાં જ એ વિશેની જાણકારી આપવામાં આવશે.

ભાજપ કે શિવસેનામાંથી એકેય પાર્ટીએ હજી સુધી સરકાર રચવાનો દાવો કર્યો નથી. આવી ઘેરી રાજકીય કટોકટીભરી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પાસે કયા વિકલ્પો છે તે જોઈએ…

– જો કોઈ પણ પાર્ટી સરકાર રચવા આગળ ન આવે તો મહારાષ્ટ્રમાં ગવર્નરનું અથવા રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરવું પડે.

– સરકારની રચના માટેનો સમયગાળો 15 દિવસનો છે અને એ લંબાવવાની કોઈ જોગવાઈ છે કે કેમ તે વિશે બંધારણીય નિષ્ણાતો ચોક્કસ નથી.

– આવી સ્થિતિમાં ગવર્નર કોશિયારી બંધારણ અને જનાદેશ મુજબ નક્કી કરાયેલી જોગવાઈઓને ધ્યાનમાં લઈ શકે છે.

– ગવર્નર રાજ્ય સભાનું ટૂંકું (3-દિવસનું) વિશેષ સત્ર બોલાવી શકે છે જેમાં પ્રો-ટેમ (હંગામી) સ્પીકર નવા ચૂંટાયેલા વિધાનસભ્યોનો શપથવિધિ કરાવે.

– બીજું પગલું એ હોય કે રાજ્યપાલ સરકાર રચવા માટે સૌથી મોટા પક્ષને આમંત્રિત કરે. જો તેઓ દાવો ન કરે તો રાજ્યપાલ કોઈ અન્ય પક્ષને આમંત્રિત કરે અથવા એવા કોઈને પણ આમંત્રિત કરે જે બધી કાર્યવાહીનું સ્વૈચ્છિક રીતે સંચાલન કરે.

આનો અર્થ એ કે ભાજપ સરકાર રચવાનો એક વાર ઈનકાર કરી દે તો ગવર્નર શિવસેના કે અન્ય પક્ષને આમંત્રિત કરે અથવા શિવસેના કે અન્ય પાર્ટી પણ પોતાનો દાવો કરી શકે છે. જે પાર્ટી પોતાની પાસે બહુમતી હોવાનો દાવો કરે એ પણ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરી શકે છે.

– આ બધા વિકલ્પો નિષ્ફળ જાય તે પછી રાષ્ટ્રપતિનું શાસન જ એકમાત્ર વિકલ્પ બચે.

– મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષો – એનસીપી અને કોંગ્રેસે પણ સરકાર રચવાનો ઈનકાર કરી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]