સાવરકર વિશે રાહુલના નિવેદનના વિરોધમાં વિપક્ષે ઉદ્ધવ ઠાકરેની ચા-પાર્ટીનો બહિષ્કાર કર્યો

નાગપુર – કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિશે ગઈ કાલે કરેલા નિવેદનના વિરોધમાં તેમજ મહારાષ્ટ્રમાં વરસાદી આફતને કારણે આર્થિક રીતે બેહાલ થઈ ગયેલા કિસાનોને મદદરૂપ થવા માટે આપેલા વચનોને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીએ પરિપૂર્ણ નથી કર્યા એના વિરોધમાં ભાજપની આગેવાની હેઠળના વિરોધપક્ષે ઠાકરેએ બોલાવેલી ચા-પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો.

પરંપરા અનુસાર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે સાંજે ટી-પાર્ટી યોજી હતી, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ વિરોધપક્ષે એ ટી-પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો.

મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેંબરના સોમવારથી શરૂ થઈ રહ્યું છે.

શિયાળુ સત્રના આરંભ પૂર્વે વિપક્ષી નેતાઓ તથા ભાજપના વિધાનસભ્યો સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું કે અમે મુખ્ય પ્રધાન અને એમના પ્રધાનમંડળ સાથે ચા-પાર્ટીમાં ભાગ લેવાના નથી, કારણ કે સરકારે આર્થિક નુકસાનથી પીડિત કિસાનોને આપેલા વચનોનું પાલન કર્યું નથી તેમજ મહારાષ્ટ્રના મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા અપમાન છતાં રાજ્ય સરકાર ચૂપ રહી છે.

ગયા મહિને જ્યારે શિવસેના અને ભાજપ વચ્ચે સરકારની રચના અંગે તીવ્ર ખેંચતાણ ચાલતી હતી ત્યારે વર્તમાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના અમુક વિસ્તારોની મુલાકાત લીધી હતી જ્યાં આ વર્ષે ચોમાસા બાદ તૂટી પડેલા કમોસમી વરસાદને કારણે કિસાનોએ ઉગાડેલો પાક નાશ પામ્યો હતો. એ વખતે એમણે આ પૂર્વેની ફડણવીસની આગેવાની હેઠળની સરકારે કિસાનો માટે ઘોષિત કરેલા રૂ. 10 હજાર કરોડના પેકેજને અપૂરતું ગણાવ્યું હતું અને માગણી કરી હતી કે કિસાનોને વળતર પેટે હેક્ટર-દીઠ રૂ. 25 હજાર ચૂકવવામાં આવે.

ફડણવીસે આજે કહ્યું કે હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એમણે પોતે જ કરેલી માગણીને પૂરી કરવી જોઈએ અને જેમનો પાક નાશ પામ્યો છે એ કિસાનોને હેક્ટર દીઠ રૂ. 25 હજારનું આર્થિક વળતર ચૂકવવું જોઈએ.

ફડણવીસે એમ પણ કહ્યું હતું કે વીર સાવરકર વિશેનું નિવેદન કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરમાં માફી માગવી જોઈએ. ફડણવીસે એવો આક્ષેપ કર્યો હતો કે રાહુલને સાવરકરના યોગદાનની જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ યોજિત ‘ભારત બચાઓ’ રેલીમાં પોતાનું સંબોધન શરૂ કરતી વખતે રાહુલે કહ્યું હતું કે મારું નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નથી. હું સત્ય ઉચ્ચારવા બદલ ક્યારેય માફી નહીં માગું અને કોઈ પણ કોંગ્રેસી પણ માફી નહીં માગે.

ફડણવીસે કહ્યું કે સાવરકરને બદનામ કરવા બદલ રાહુલે જાહેરમાં માફી માગવી જોઈએ અને રાહુલ ગાંધીને વખોડી કાઢતો એક ઠરાવ ગૃહમાં પાસ કરવો જોઈએ. મહારાષ્ટ્રના આદર્શ ગણાતા સાવરકરનું અપમાન કરવા બદલ શિવસેના પાર્ટી રાહુલની ટીકા કેમ કરતી નથી એનું મને આશ્ચર્ય થાય છે.

જોકે શિવસેનાનાં નેતા સંજય રાઉતે ગઈ કાલે એમ કહ્યું હતું કે જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધીની જેમ સાવરકરે પણ આઝાદીની ચળવળ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

પરંતુ રાઉતના નિવેદન સામે ફડણવીસે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું કે શિવસેનાએ નેહરુ અને ગાંધી સાથે સાવરકરની સરખામણી કરવી ન જોઈએ. સાવરકરે 12 વર્ષ આંદામાન ટાપુ પરની જેલમાં કાળાપાણીની સજા ભોગવી હતી.

‘ગાય માતા નથી’ એવું સાવરકરે કહેલું તો ભાજપ એ વાતને સ્વીકારે છેઃ છગન ભુજબળનો સવાલ

દરમિયાન, કોંગ્રેસની સહયોગી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારના પ્રધાન છગન ભુજબળે કહ્યું કે સાવરકર વિશે રાહુલે જે કંઈ કહ્યું છે એ એમના અંગત વિચારો છે. સાવરકરે એમ કહેલું કે ગાય આપણી માતા નથી. જ્યારે ભાજપ ગાયને માતા તરીકે માને છે. સાવરકર વિજ્ઞાનવાદી હતા, તો ભાજપ ગાય વિશે સાવરકરના મંતવ્યો સાથે સહમત થશે કે? એવો સવાલ ભુજબળે ભાજપને કર્યો છે.

દરમિયાન, રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં મુંબઈમાં સાવરકરના પ્રશંસકોએ દેખાવો કર્યા હતા અને રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]