મુંબઈઃ ફડણવીસ સાથેની ચર્ચા સફળ રહી; ઓલા-ઉબરના ડ્રાઈવરોએ હડતાળ પાછી ખેંચી

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે થયેલી ચર્ચા સફળ રહી છે અને મુંબઈમાં ઓલા તથા ઉબર ખાનગી કંપનીઓના કેબ ડ્રાઈવરોએ એમની હડતાળ પાછી ખેંચી લીધી છે.

હડતાળ, જે દિવાળીના તહેવાર વખતે સસ્પેન્ડ રાખવામાં આવી હતી તે દિવાળી બાદ ફરી શરૂ કરવામાં આવી હતી, પણ હવે એ પાછી ખેંચી લેવાતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.

હડતાળ પાછી ખેંચાવાથી ખાસ કરીને ઓફિસ, કે કામ-ધંધે જતા લોકો તેમજ પ્રવાસીઓ-પર્યટકોને મોટી રાહત થઈ છે.

ઓલા, ઉબરના ડ્રાઈવરોના યુનિયનના નેતા સચીન અહીર ડ્રાઈવરોની માગણીઓની યાદીના દસ્તાવેજ લઈને અત્રે વિધાનભવનમાં ફડણવીસને મળ્યા હતા. એ બેઠકમાં થયેલી ચર્ચા સકારાત્મક રહી હતી અને ફડણવીસે ખાતરી આપી હતી કે પોતે ડ્રાઈવર પાર્ટનર્સ તથા યુનિયનના નેતાઓની એક બેઠક રાજ્ય વિધાનસભામાં શિયાળુ સત્ર પૂરું થયા બાદ બોલાવશે.

અગાઉ, બપોરે હડતાળીયા ડ્રાઈવરોએ ભારત માતાથી આઝાદ મેદાન સુધી વિશાળ મોરચો કાઢવાનું નક્કી કર્યું હતું, પણ પોલીસે એમને તેમ કરતા અટકાવ્યા હતા. ત્યારબાદ યુનિયનના આગેવાનોએ આઝાદ મેદાન ખાતે એક સભા યોજી હતી અને ત્યાંથી એમનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય પ્રધાન ફડણવીસને મળવા માટે વિધાનભવન ખાતે ગયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]