મુંબઈમાં ઓલા, ઉબેરના ડ્રાઈવરો આજથી બેમુદત હડતાળ પર

મુંબઈ – ખાનગી કેબ કંપનીઓ ઓલા અને ઉબેરના ડ્રાઈવરો આજથી બેમુદત હડતાળ પર છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના ટેકાવાળા ટ્રાન્સપોર્ટ યુનિયન – મહારાષ્ટ્ર નવનિર્માણ વાહતુક સેનાની આગેવાની હેઠળ આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

મુંબઈમાં 30 હજાર જેટલી ખાનગી ટેક્સીઓ આજથી હડતાળ પર છે.

દેખાવકાર ટેક્સી ડ્રાઈવરો વિરુદ્ધ મુંબઈ પોલીસે 149મી કલમ લાગુ કરી છે એટલે ડ્રાઈવરો ઓલા અને ઉબેર કંપનીઓની ઓફિસો તરફ કૂચ કરશે તો પોલીસ એમને બળપૂર્વક અટકાવશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ વાહતુક સેનાના સંજય નાઈકનું કહેવું છે કે, ઓલા અને ઉબેર કંપનીઓએ ડ્રાઈવરોને મોટા મોટા વચનો આપ્યા હતા, પણ આજે ડ્રાઈવરો એમના ખર્ચને પણ પહોંચી શકતા નથી. ડ્રાઈવરોએ રૂ. 5-7 લાખનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું, અને એમને દર મહિને દોઢ લાખ રૂપિયાની આવક થશે એવી ધારણા હતી, પણ બંને કંપનીઓના ગેરવહીવટને કારણે ડ્રાઈવરોને એનાથી અડધા ભાગની આવક પણ થતી નથી.

મુંબઈમાં આશરે 45 હજાર ખાનગી ટેક્સીઓ દોડે છે, પણ ધંધામાં મંદી ફરી વળતાં 20 ટકા ટેક્સીઓ ઓછી થઈ ગઈ છે.