મુંબઈમાં ઓલા ટેક્સીચાલકોએ હડતાળ પાછી ખેંચી, ઉબેરના ડ્રાઈવરોની હડતાળ હજી ચાલુ

મુંબઈ – ખાનગી ટેક્સી સેવા પૂરી પાડતી ઓલા કંપનીના અધિકારીઓ સાથે આજે બેઠક યોજાયા બાદ અને એ ફળદાયી રહ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ યુનિયને ઓલા ડ્રાઈવરો માટે શરૂ કરેલી હડતાળ આજે પાછી ખેંચી લીધાની જાહેરાત કરી છે.

તેમ છતાં અન્ય ખાનગી કેબ સર્વિસ કંપની ઉબેરના ડ્રાઈવરોએ હડતાળ ચાલુ રાખી છે.

ઉબેરના યુનિયન લીડરોએ કહ્યું છે કે તેઓ ગુરુવારે પણ હડતાળ ચાલુ રાખશે.

આ બંને કંપનીના ટેક્સી ચાલકો ૧૯ માર્ચથી બેમુદત હડતાળ પર ઉતર્યા હતા. ઓલાના ડ્રાઈવરો આજે મધરાતથી ફરી શહેરના રસ્તાઓ પર ટેક્સી દોડાવવાનું શરૂ કરી દેશે.

ઉબેરના ડ્રાઈવરોના યુનિયન લીડરો આવતીકાલે, ગુરુવારે બપોરે એક વાગ્યે પોલીસ અધિકારીઓની હાજરીમાં ઉબેરના અધિકારીઓની સાથે એમની માગણીઓ અંગે ચર્ચા કરશે.

એમએનએસ (મનસે)ના ટ્રાન્સપોર્ટ યુનિયને માગણી કરી છે કે ઓલા એગ્રીમેન્ટ મરાઠી ભાષામાં હોવો જોઈએ. તે ઉપરાંત, ટેક્સી પર ઓલાનું સ્ટિકર પણ મરાઠીમાં હોવું જોઈએ.

ઓલાના અધિકારીઓે યુનિયન લીડરોની આ માગણીને સ્વીકારી છે.

મુંબઈમાં આ બંને કંપનીઓની 30 હજાર પણ વધુ ખાનગી ટેક્સીઓ દોડે છે. ઓલા અને ઉબર કંપનીઓના ડ્રાઈવરોનો આક્ષેપ છે કે કંપનીઓએ એમને મોટા મોટા વચનો આપ્યા હતા, પણ આજે ડ્રાઈવરો એમના ખર્ચને પણ પહોંચી શકતા નથી. ડ્રાઈવરોએ રૂ. 5-7 લાખનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું, અને એમને દર મહિને દોઢ લાખ રૂપિયાની આવક થશે એવી ધારણા હતી, પણ બંને કંપનીઓના ગેરવહીવટને કારણે ડ્રાઈવરોને એનાથી અડધા ભાગની આવક પણ થતી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]