ઔરંગાબાદ, ઉસ્માનાબાદ શહેરોનું પણ નામ બદલોઃ શિવસેનાની માગણી

મુંબઈ – કેન્દ્રમાં તેમજ મહારાષ્ટ્રમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટીની ભાગીદાર શિવસેના પાર્ટીના સંસદસભ્ય સંજય રાઉતે માગણી કરી છે કે મહારાષ્ટ્રના બે શહેર – ઔરંગાબાદ તથા ઉસ્માનાબાદનું નામ પણ બદલવું જોઈએ.

રાઉતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સવાલ પૂછ્યો છે કે મહારાષ્ટ્રના બે શહેર – ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ ક્યારે બદલવામાં આવશે?

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકારે અલાહાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કર્યું છે.

હવે સંજય રાઉતે ટ્વિટર પર પૂછ્યું છે કે, યોગી આદિત્યનાથે અલાહાબાદ અને ફૈઝાબાદ શહેરોના નામ બદલીને પ્રયાગરાજ અને અયોધ્યા કર્યા છે તો હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઔરંગાબાદનું નામ બદલીને ‘સંભાજી નગર’ અને ઉસ્માનાબાદનું નામ બદલીને ‘ધારાશિવ નગર’ ક્યારે કરશે?

શિવસેનાનાં નેતા મનીષા કાયંડેએ કહ્યું છે કે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનાં નામ બદલવાની શિવસેનાની માગણી કંઈ નવી નથી. અમે આ માગણી બહુ પહેલાથી અને ઘણી વાર કરી છે, કોંગ્રેસ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ મતદારોનાં તુષ્ટિકરણ માટે આ માગણીનો વિરોધ કર્યો હતો.