મુંબઈઃ આદિત્ય ઠાકરે શિવસેનાનાં નવા વિધાનસભ્યો સાથે રાજ્યપાલને મળ્યા

મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકારની રચનાનાં મુદ્દે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે શિવસેના નેતા અને વરલી બેઠક પરથી ચૂંટાઈ આવેલા આદિત્ય ઠાકરે આજે સાંજે એમના પક્ષના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યો સાથે રાજભવન ખાતે ગયા હતા અને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા.

શિવસેનાનાં એક નેતાએ કહ્યું કે રાજ્યપાલ સાથેની બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવાની બાબતમાં કોઈ પ્રકારની વાતચીત થઈ નહોતી. અમારું પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્ર રાજ્યમાં હાલમાં ભારે વરસાદ અને પૂરને કારણે કિસાનોને થયેલા આર્થિક નુકસાનને લીધે એમને તત્કાળ આર્થિક સહાયતા કરવામાં આવે એવી માગણી કરવા માટે રાજ્યપાલને મળ્યું હતું અને એમને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.

પ્રતિનિધિમંડળમાં મહારાષ્ટ્રની ગઈ વેળાની સરકારમાં શિવસેનાનાં પ્રધાન એકનાથ શિંદે પણ સામેલ હતા, જેમની આજે શિવસેના વિધાનસભા પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

કોંગ્રેસ, એનસીપીના વિધાનસભ્યો અમારા સંપર્કમાં છેઃ શિવસેનાનો દાવો

દરમિયાન, શિવસેનાનાં નેતા અને રાજ્ય સભાના સદસ્ય સંજય રાઉતે આજે કહ્યું છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત અન્ય પક્ષોના વિધાનસભ્યો પણ શિવસેનાનાં સંપર્કમાં છે.

બીજી બાજુ, શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સાથેની બેઠકમાં કહ્યું હતું કે એમણે કોઈ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. શિવસેનાને હજી સુધી કોઈ પણ રાજકીય પક્ષ તરફથી કોઈ ઓફર મળી નથી, પરંતુ કેટલાક પક્ષો મિડિયા મારફત એમના પ્રસ્તાવો રજૂ કરી રહ્યા છે.

ઉદ્ધવે ફરી વાર કહ્યું કે રાજ્યમાં સત્તાની વહેંચણી માટે 50-50ની ફોર્મ્યુલા લાગુ કરવાના વચનનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના પ્રમુખ અમિત શાહે પાલન કરવું જ જોઈએ. લોકસભાની ચૂંટણી પૂર્વે થયેલી ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલાને શાહે કબૂલ કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિવાળીના દિવસે પત્રકારો સાથે કરેલી અનૌપચારિક વાતચીતની પણ ઉદ્ધવ ઠાકરેએ ટીકા કરી છે અને કહ્યું કે પત્રકારો સાથેની એ વાતચીતમાં ફડણવીસે કરેલા નિવેદનો બાદ જ શિવસેના અને ભાજપ વચ્ચેની મંત્રણા અટકી ગઈ છે.

અગાઉ, શિવેસનાએ તેના વિધાનસભા પક્ષના નેતા તરીકે એકનાથ શિંદેની પસંદગી કરી હતી. એમનું નામ વરલી બેઠક પરથી ચૂંટાઈ આવેલા આદિત્ય ઠાકરેએ સૂચવ્યું હતું. શિંદે ગઈ વેળાની સરકારમાં જાહેર બાંધકામ ખાતાના પ્રધાન પદે હતા. તેઓ થાણે જિલ્લાના કોપરી-પાચપાખાડી મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે. શિંદે અગાઉ 2004, 2009 અને 2014 એમ સતત ત્રણ મુદતથી ચૂંટાઈ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શિવસેના અને ભાજપે આ વખતની વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી હતી, પરંતુ મુખ્ય પ્રધાન પદના મામલે એમની વચ્ચે સમાધાન થયું નથી. એને કારણે જ રાજ્યમાં સરકારની રચનામાં વિલંબ થયો છે. શિવસેનાની માગણી છે કે ભાજપ 50-50 ફોર્મ્યુલાનું પાલન કરે, જે અનુસાર બંને પક્ષે મુખ્ય પ્રધાન પદ અઢી-અઢી વર્ષ માટે વહેંચી લેવાનું રહેશે. પરંતુ ભાજપ આ ફોર્મ્યુલા સ્વીકારવા તૈયાર નથી.