મહારાષ્ટ્રમાં મલ્ટીપ્લેક્સીસમાં પ્રેક્ષકોને બહારના ખાદ્યપદાર્થો લાવવાની છૂટઃ સરકારનો નિર્ણય

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે એક એવો નિર્ણય લીધો છે જેને રાજ્યભરના ફિલ્મ પ્રેક્ષકો તાળીઓથી વધાવી લેશે. સરકારે જાહેરાત કરી છે કે મલ્ટીપ્લેક્સીસની અંદર હવેથી પ્રેક્ષકોને એમના ઘેર રાંધેલી ચીજવસ્તુઓ સહિત બહારનું ફૂડ લાવીને ખાવાની પરવાનગી આપવાની રહેશે.

અત્યાર સુધી મલ્ટીપ્લેક્સીસમાં આવી સુવિધા નહોતી.

મહારાષ્ટ્રના અન્ન પુરવઠા ખાતાના પ્રધાન રવિન્દ્ર ચવાણે નાગપુરમાં હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં આ નિર્ણયની આજે જાહેરાત કરી હતી. એમણે કહ્યું કે સિનેમાગૃહો, થિયેટરો અને મલ્ટીપ્લેક્સીસમાં લોકોને બહારથી ખાદ્યપદાર્થો લાવવાની સરકાર તરફથી કોઈ મનાઈ ફરમાવાઈ નહોતી. એવો કોઈ પ્રતિબંધ અમલમાં નહોતો. પરંતુ, હવે મલ્ટીપ્લેક્સીસના માલિકો કે કર્મચારીઓ પ્રેક્ષકોને બહારથી એમની પસંદના ખાદ્યપદાર્થો લાવવાની મનાઈ કરી નહીં શકે.

ચવાણે વધુમાં જણાવ્યું છે કે પ્રેક્ષકોને એમની સાથે ખાદ્યપદાર્થો થિયેટરોમાં લાવતા જે કર્મચારીઓ રોકશે એમની સામે પગલું ભરવામાં આવશે.

ચવાણે વધુમાં જણાવ્યું છે કે ખાદ્યપદાર્થોની કિંમત સિનેમાગૃહોની અંદર અને બહાર અલગ અલગ હશે એ ચલાવી નહીં લેવાય.

મલ્ટીપ્લેક્સીસની અંદર ખાદ્યપદાર્થો, પીવાના પાણીની બોટલ્સ તથા ઠંડા પીણા માટે છપાયેલી મેક્ઝિમમ રીટેલ પ્રાઈસ (MRP) કરતાં ઘણી વધારે ઊંચી કિંમત ચાર્જ કરાતી હોવાના મુદ્દે આજે વિધાનસભામાં સભ્યો વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી. વિધાનપરિષદમાં વિપક્ષી નેતા ધનંજય મુંડેએ ખાદ્યપદાર્થો તથા પીવાના પાણી, ઠંડા પીણાની બોટલ્સની કિંમત મલ્ટીપ્લેક્સીસની અંદર અલગ તથા બહાર અલગ કેમ છે એવો સવાલ ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તાજેતરમાં પૂણે, થાણે, મુંબઈ તથા મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં કેટલાક મલ્ટીપ્લેક્સીસ ખાતે જઈને આંદોલન અને દેખાવો કર્યા હતા. આ મલ્ટીપ્લેક્સીસ એ જ પોપકોર્નનાં પેકેટના અઢીસો રૂપિયા ચાર્જ કરે છે જે મલ્ટીપ્લેક્સીસની બહાર માત્ર પાંચ રૂપિયામાં મળે છે.

અમુક જગ્યાએ મનસેના આંદોલનોએ હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું હતું, પરંતુ જનતા તરફથી એને જોરદાર ટેકો સાંપડ્યો છે.

મુંબઈ હાઈકોર્ટે પણ ગયા મહિને એવી માગણી કરી હતી કે મલ્ટીપ્લેક્સીસની અંદર વેચાતા ખાદ્યપદાર્થો તથા ઠંડા પીણાની કિંમત પર મહારાષ્ટ્ર સરકાર અંકુશ કેમ રાખતી નથી.