દિવાળી સાદાઈથી ઉજવજોઃ મહારાષ્ટ્રવાસીઓને ઉદ્ધવ ઠાકરેની વિનંતી

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના રહેવાસીઓને આજે વિનંતી કરી છે કે તેઓ દિવાળીનો ઉત્સવ સાદાઈથી ઉજવે અને અવાજ તેમજ હવાનું પ્રદૂષણ રોકવા ફટાકડા ફોડવાનું ટાળે.

રાજ્યની જનતાને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે કોરોના વાઈરસનું બીજું મોજું આવે એની ચિંતા છે ત્યારે હું રાજ્યના લોકોને વિનંતી કરું છું કે તેઓ દિવાળીનો તહેવાર સાદાઈથી ઉજવે અને વાઈરસનો ફેલાવો રોકવા શક્ય એટલી કાળજી લે.

ઠાકરેએ કહ્યું કે તેઓ દિવાળીમાં ફટાકડા ફોડવા પર કોઈ પ્રતિબંધ મૂકવાના નથી, પરંતુ લોકોએ જાતે જ શિસ્ત પાળે અને દિવાળીને ફટાકડા-મુક્ત રાખે એવી મારી સૌને વિનંતી છે.

ઠાકરેએ કહ્યું કે, સરકારે અનેક પગલાં લેતા અને જનતાએ સહકાર આપતાં આપણે કોરોના વાઈરસના ચેપને અંકુશમાં રાખી શક્યા છીએ, પરંતુ દિલ્હીમાં હવાના પ્રદૂષણને લીધે વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે, જેને કારણે વાઈરલ ન્યૂમોનિયા બીમારી થાય છે. તેથી આપણે દિવાળી ફટાકડા ફોડ્યા વગર ઉજવીએ. ખાસ કરીને જાહેર સ્થળોએ ફટાકડા ન ફોડીએ જેને કારણે પ્રદૂષણ ફેલાય છે.

ઠાકરેએ કહ્યું કે, આપણે કોવિડ-19ને રોકીને જે કંઈ હાંસલ કર્યું છે એ ફટાકડાને કારણે પ્રદૂષણ વધવાને લીધે ચાર દિવસમાં ધોવાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]